૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR લાગુ કરાશે; દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રનો સમાવેશ

14 May, 2026 03:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

SIR Phase 3: દેશભરમાં ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR હાથ ધરવામાં આવશે; આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ જુલાઈના પ્રથમ અઠવાડિયા અને સપ્ટેમ્બરની વચ્ચે બહાર પાડવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારત નિર્વાચન આયોગ (Election Commission of India)એ દેશના ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision - SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે SIR ના ત્રીજા તબક્કાનું સમયપત્રક વસ્તી ગણતરી હેઠળ ચાલી રહેલી હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયાની સાથે કામ કરતી કોમન ફિલ્ડ મશીનરીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ બંને મહત્વની પ્રક્રિયાઓ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવવાનો છે.

આ મહાઅભિયાન હેઠળ બૂથ લેવલ ઓફિસર (BLO) મતદારોના ઘરે-ઘરે જઈને તેમનો સીધો સંપર્ક કરશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, SIR ના આ ત્રીજા તબક્કા દરમિયાન 3.94 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર 36.73 કરોડ મતદારોના ઘરે-ઘરે જઈને રૂબરૂ સંપર્ક કરશે. આ પ્રક્રિયા દ્વારા મતદાર યાદીને વધુ સચોટ અને અધ્યતન બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ તબક્કામાં ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ

ભારત નિર્વાચન આયોગે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) ના ત્રીજા તબક્કા (SIR Phase 3 schedule announced) હેઠળ આવરી લેવામાં આવનારા વિસ્તારોની વિગતો જાહેર કરી છે. આ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ, ઓડિશા, ઝારખંડ અને દિલ્હી સહિત કુલ ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ સચોટ અને ભૂલરહિત બનાવવાનો છે, જેથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધુ મજબૂત કરી શકાય.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અભિયાન દરમિયાન આશરે 3.94 લાખ બૂથ લેવલ ઓફિસર (BLO) ઘરે-ઘરે જઈને 36.73 કરોડ મતદારોની વિગતોનું સત્યાપન કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા 3.42 લાખ બૂથ લેવલ એજન્ટ (BLA) પણ સહયોગ આપશે. પંચે તમામ રાજકીય પક્ષોને દરેક મતદાન મથક પર પોતાના એજન્ટોની નિમણૂક કરવા અપીલ કરી છે, જેથી પુનરીક્ષણની આ કામગીરી પારદર્શક અને સહભાગી બની શકે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તબક્કા હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદ્દાખ (Ladakh) સિવાયનો સમગ્ર દેશ આ અભિયાનના દાયરામાં આવી જશે. આ ત્રણ ક્ષેત્રોમાં વસ્તી ગણતરીના બીજા તબક્કા અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા જેવી ભૌગોલિક અને હવામાન સંબંધિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અગાઉના પ્રથમ બે તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 59 કરોડ મતદારોની યાદીનું પુનરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન 6.3 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર (BLOs) અને 9.2 લાખ બૂથ લેવલ એજન્ટોએ (BLAs) સક્રિયપણે ભાગ લીધો હતો. આ રીતે અત્યાર સુધીમાં મોટા પાયે મતદાર યાદીના સુધારાની કામગીરી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

ભારત નિર્વાચન આયોગે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) ના ત્રીજા તબક્કા માટેનું વિગતવાર સમયપત્રક જાહેર કર્યું છે. આ આયોજન હેઠળ અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

SIRના ત્રીજા તબક્કાનો કાર્યક્રમઃ

ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં આ પ્રક્રિયા 1 જુલાઈ 2026 થી શરૂ થશે અને તેની અંતિમ મતદાર યાદી 6 સપ્ટેમ્બર 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં પણ 1 જુલાઈ 2026 થી કામગીરી શરૂ થશે, જેની અંતિમ યાદી 11 સપ્ટેમ્બર 2026 ના રોજ બહાર પડશે. ઉત્તરાખંડ માટે 1 જુલાઈ 2026 થી શરૂ થનારી આ પ્રક્રિયાની અંતિમ યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં પણ 1 જુલાઈ 2026 થી કાર્ય શરૂ થશે અને 22 સપ્ટેમ્બર 2026 ના રોજ અંતિમ યાદી જાહેર થશે.

તેલંગાણા અને પંજાબમાં પુનરીક્ષણની પ્રક્રિયા 1 ઓક્ટોબર 2026 થી હાથ ધરવામાં આવશે અને તેની અંતિમ યાદી પણ 1 ઓક્ટોબર 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કર્ણાટક, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી જેવા મહત્વના રાજ્યોમાં 1 ઓક્ટોબર 2026 થી કામગીરી શરૂ થશે અને તેની અંતિમ યાદી 7 ઓક્ટોબર 2026 ના રોજ જાહેર કરવામાં આવશે. નાગાલેન્ડમાં 1 ઓક્ટોબર 2026 થી શરૂ થનારા આ અભિયાનની અંતિમ મતદાર યાદી 22 નવેમ્બર 2026 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે ત્રિપુરામાં આ પ્રક્રિયા 1 ઓક્ટોબર 2026 થી શરૂ થઈને 23 ડિસેમ્બર 2026 ના રોજ અંતિમ યાદીના પ્રકાશન સાથે પૂર્ણ થશે.

election commission of india special intensive revision sir odisha mizoram sikkim manipur dadra and nagar haveli diu daman uttarakhand andhra pradesh arunachal pradesh haryana chandigarh telangana punjab karnataka meghalaya maharashtra jharkhand new delhi nagaland tripura national news news