✕

રાહુલ ગાંધીને મોટી રાહત, અપ્રમાણસર મિલકતની CBI અને ED તપાસનો હાઈ કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો

26 November, 2026 11:04 AM IST  |  Allahabad | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે શિશિરને તેમની અરજીમાં રાહુલ ગાંધીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો અને અરજી ટકી શકે એમ છે કે નહીં એ સહિતના તમામ મુદ્દા હાઈ કોર્ટ સમક્ષ ખુલ્લા રાખ્યા હતા.

રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે અપ્રમાણસર મિલકતના આરોપોની તપાસ કરવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને અપાયેલો અલાહાબાદ હાઈ કોર્ટનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે બુધવારે રદ કર્યો હતો. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે જણાવ્યું કે રાહુલ ગાંધીનો પક્ષ સાંભળ્યા વિના હાઈ કોર્ટે આદેશ આપ્યો હોવાથી એ રદ કરાય છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને નવી બેન્ચ રચી ખુલ્લી કોર્ટમાં નવેસરથી સુનાવણી શરૂ કરવા વિનંતી કરી હતી, જેનાથી રાહુલ ગાંધીને વચગાળાની કાનૂની રાહત મળી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર એસ. વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધી પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી, જેના પર મે મહિનામાં હાઈ કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ કપિલ સિબલે દલીલ કરી કે અરજદાર ૨૦૨૪થી આવા જ આરોપો મૂકી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શિશિરને તેમની અરજીમાં રાહુલ ગાંધીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યો અને અરજી ટકી શકે એમ છે કે નહીં એ સહિતના તમામ મુદ્દા હાઈ કોર્ટ સમક્ષ ખુલ્લા રાખ્યા હતા. 

rahul gandhi allahabad supreme court central bureau of investigation political news indian politics congress bharatiya janata party news national news enforcement directorate