24 May, 2025 08:22 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના હનુમાનગઢી ખાતે શુક્રવારે હનુમાન કથા મંડપમનું ઉદ્ઘાટન કર્યા પછી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સભાને સંબોધી હતી
અયોધ્યાના હનુમાનગઢી ખાતે શુક્રવારે હનુમાન કથા મંડપમનું ઉદ્ઘાટન કર્યા પછી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ એક નવું ભારત છે જે કોઈને છેડતું નથી અને જો કોઈ છેડશે તો તેને છોડતું નથી. હનુમાનજીએ પણ આ જ કામ કર્યું હતું. જ્યારે લંકામાં હનુમાનજીને રાવણ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે રાવણે તેમને એ પ્રશ્ન પૂછ્યો કે તમે મારા પુત્રને કેમ માર્યો? ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો હતો કે મેં હત્યા નથી કરી. આ ભારતીય દળો દ્વારા કરવામાં આવેલું કાર્ય હતું. તેમણે પાકિસ્તાન પર હુમલો કર્યો નથી પરંતુ આતંકવાદનાં કાયર કૃત્યોનો જવાબ આપ્યો છે. આતંકવાદીઓએ ૨૪ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી, જ્યારે ભારતીય દળોએ ૧૨૪ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાન હવે ૭૫ વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન જીવી ચૂક્યું છે. હવે આનો અંત આવશે. સમય આવી ગયો છે. આપણા એક પૂજ્ય સંતે ભવિષ્યવાણી કરી હતી કે પાકિસ્તાનનો નાશ થશે. પાકિસ્તાનને એનાં કાર્યોની સજા મળશે.’
હનુમાનગઢીમાં નવો ખુલ્લો મુકાયેલો શ્રી હનુમાન કથા મંડપમ શું છે?
ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનગઢી મંદિર અને રામ મંદિરનાં દર્શન કરીને હનુમાનગઢી પરિસરમાં આવેલા શ્રી હનુમાન કથા મંડપમનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગીએ હનુમાનગઢીને ભક્તિ, શક્તિ, બુદ્ધિ અને યુક્તિનો સંગમ ગણાવીને સનાતન ધર્મનો મહત્ત્વનો ગઢ કહ્યો હતો. હજારો શ્રદ્ધાળુઓને સાથે કથા અને સત્સંગનો લાભ મળે એ માટે હનુમાનગઢીમાં આ કથા મંડપ બનાવવામાં આવ્યો છે. શ્રી હનુમાન કથા મંડપમ ૧૭,૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે જેમાં એકસાથે ૫૦૦૦ શ્રદ્ધાળુઓ સાથે કથા-કીર્તન કરી શકે છે. મંડપના ઉત્તર અને દક્ષિણ છેડે જગતગુરુ રામનંદાચાર્યજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે પ્રવેશદ્વાર પર હનુમંતની આકર્ષક પ્રતિમા છે. ગ્રેનાઇટ પથ્થરથી બનેલા આ મંડપમાં અત્યાધુનિક સુવિધાઓ છે. ૧૦૦૦ ફુટનું ભવ્ય સ્ટેજ છે તેમ જ રામદરબારની ઝલક દીવાલો પર કરવામાં આવી છે જેમાં રામકથાની વિશિષ્ટતાઓનું વર્ણન છે. આ જ મંડપની સાથે ૧૬ રૂમોવાળું સુવિધાજનક અતિથિગૃહ પણ બનાવેલું છે.