પુનામાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, કેન્દ્રએ આરોગ્યની ટીમ મહારાષ્ટ્ર મોકલી

02 August, 2021 06:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝિકા વાયરસે મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, તેવામાં કેન્દ્ર સરકારે આરોગ્યની એક ટીમ મહારાષ્ટ્ર મોકલી છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા નવા વેરિઅન્ટ સામે આવી રહ્યાં છે. હાલમાં ડેલ્ટા પ્લસ અને ઝિકા વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઝીકા વાયરસની સ્થિતિ પર નજર રાખવા અને કેસો પર નિંયત્રણ લાવવા માટે એક ટીમ મહારાષ્ટ્ર મોકલી છે.  જેથી રાજ્ય સરકાર આરોગ્ય તપાસ માટે  ટેકો મળી રહે. 

આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પુણે જિલ્લામાં ઝીકા વાયરસનો એક કેસ નોંધાયો છે. ત્રણ સભ્યોની કેન્દ્રીય ટીમમાં પુણેના પ્રાદેશિક નિયામકની કચેરીના જાહેર આરોગ્ય નિષ્ણાત પણ સામેલ છે.  

આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે નજીકથી કામ કરશે. જમીન પરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને ઝીકા મેનેજમેન્ટ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો એક્શન પ્લાન અમલમાં છે કે કેમ તેની ચકાસણી કરશે. તે રાજ્યમાં ઝિકા વાયરસના કેસોના સંચાલન માટે જરૂરી જાહેર આરોગ્ય હસ્તક્ષેપની પણ ભલામણ કરશે. 

ઝિકા વાયરસે મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જે કોરોના સંક્રમણ સામે પહેલેથી જ લડી રહ્યો છે. પુણે જિલ્લાના પુરંદર તહસીલમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે, જ્યાં એક 50 વર્ષીય મહિલા ઝિકાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે.

જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે લોકોમાં જાગૃત લાવવા કામગીરી શરૂ કરી છે. ઘરોમાં સર્વેની તૈયારી શરૂ કરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી મચ્છર દ્વારા ફેલાયેલા આ ચેપના કેસો માત્ર કેરળમાં નોંધાયા હતા.

national news coronavirus maharashtra pune