વૅક્સિનેશનની ખરી ક્રેડિટ જાય છે વિજ્ઞાનને : મોદી

23 October, 2021 10:31 AM IST  |  Mumbai | Agency

રસીકરણમાં કોઈ પણ હિસાબે વીઆઇપી કલ્ચર ન પ્રવેશે એનું ખાસ ધ્યાન રખાયું હોવાનું પણ વડા પ્રધાને કહ્યું

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ભારતમાં રસીના ૧૦૦ કરોડ ડોઝ પૂરા થયાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એ બાબત દરેક દેશવાસી માટે ગર્વની બાબત છે કે ભારતનો રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનમાંથી જન્મેલો, વિજ્ઞાનથી સંચાલિત થયેલો અને વિજ્ઞાનઆધારિત હતો. વડા પ્રધાને એવું પણ કહ્યું હતું કે રસીકરણમાં વીઆઇપી કલ્ચર ન પ્રવેશે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
વડા પ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે દેશમાં બધે જ આશાવાદ છે, છતાં આપણે ઉત્સવોના સમયમાં બેદરકારી ન દાખવવી જોઈએ અને કોરોના અનુરૂપ વર્તન જાળવવું જોઈએ. ભારતના અર્થતંત્ર માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ખૂબ સકારાત્મક છે. ભારતીય કંપનીઓમાં વિક્રમી રોકાણ તો આવ્યું જ છે, એ સાથે રોજગારીનું પણ સર્જન થયું છે.
કોરોનાની શરૂઆતમાં વડા પ્રધાને કરેલી થાળી અને દીવાની હાકલ માટે ટીકા કરનારાઓને જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે એ પહેલ લોકોની સહભાગીતા દર્શાવતી હતી. મોદીએ કહ્યું હતું કે ભારતમાં રસીકરણ માટે અનેક સવાલ કરવામાં આવતા હતા. ૧૦૦ કરોડ રસીના ડોઝનો આંકડો એ બધા સવાલનો જવાબ છે. આ સિદ્ધિ માત્ર આંકડો નથી, પણ નવા ભારતની છબી છે અને ભારતની ક્ષમતાઓનું પ્રતીક છે. અત્યારે નવું પ્રકરણ લખાઈ રહ્યું છે, એક એવા દેશ વિશે, જે જાણે છે ઊંચાં લક્ષ્ય કેવી રીતે નક્કી કરવાં અને કેવી રીતે હાંસલ કરવાં.

national news covid vaccine covid19 narendra modi