02 July, 2025 09:04 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૪૦ વર્ષ પહેલાં ૧૯૮૪ની બીજી ડિસેમ્બરે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં યુનિયન કાર્બાઇડની ફૅક્ટરીમાં થયેલી ગૅસ ટ્રૅજેડીનો છેલ્લો ૩૩૭ ટન કચરો પંચાવન દિવસમાં સળગાવી દેવામાં આવ્યો છે. આ કચરાને બાળવા અંગે વિવાદ થયો હતો, પણ હાઈ કોર્ટના નિર્ણય પછી કચરાને બાળવાનું કામ કરવામાં આવ્યું હતું. ૬ મહિના પહેલાં ૩૩૭ ટન ઝેરી કચરો કન્ટેનરમાં ભરીને ભોપાલથી ધાર જિલ્લાના પીથમપુર ડિસ્પોઝલ પ્લાન્ટમાં લાવવામાં આવ્યો હતો. અગાઉ પ્લાન્ટમાં ૩ ટ્રાયલ દરમ્યાન ૩૦ ટન કચરો બાળી નાખવામાં આવ્યો હતો. બાકીનો ૩૦૭ ટન કચરો પાંચમી મેથી ૨૯-૩૦ જૂનની રાત દરમ્યાન બાળી નાખવામાં આવ્યો હતો. ૨૯ અને ૩૦ જૂનની રાત્રે લગભગ એક વાગ્યા સુધીમાં તમામ ૩૩૭ ટન કચરો બળીને રાખ થઈ ગયો હતો.
પીથમપુરમાં કચરો બાળવા અંગે અગાઉ વિવાદ થયો હતો. સ્થાનિક લોકોએ કચરો બાળવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આમ કરવાથી પર્યાવરણ પર અને તેમના સ્વાસ્થ્ય પર અસર થશે.
કુલ ૩૩૭ ટન કચરો બાળ્યા પછી બાકીની રાખ અને અવશેષોને સુરક્ષિત રીતે ગૂણોમાં પૅક કરીને પ્લાન્ટના લીક-પ્રૂફ સ્ટોરેજ શેડમાં રાખવામાં આવી રહ્યા છે. અવશેષોને જમીનમાં દાટી દેવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયા મુજબ ખાસ લૅન્ડફિલ સેલ બનાવવામાં આવી રહ્યા છે અને આ કાર્ય નવેમ્બર સુધીમાં પૂરું થવાની અપેક્ષા છે.’
૫૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
ભોપાલ ગૅસ દુર્ઘટના ભારતની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. યુનિયન કાર્બાઇડની ફૅક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઇલ આઇસોસાઇનેટ (MIC) ગૅસ લીક થયો હતો. આ ગૅસના ફેલાવાને કારણે ઓછામાં ઓછા ૫૪૭૯ લોકો મૃત્યુ પામ્યા હતા.