ધર્માંતરણ કરાવવા આ બાબાને વિદેશમાંથી મળ્યા હતા ૫૦૦ કરોડ રૂપિયા

12 July, 2025 11:50 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન, સાઉદી અરેબિયા, દુબઈ અને ટર્કી જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી નાણાં મોકલવામાં આવ્યાં : ૨૦૦ કરોડ અધિકૃત માર્ગે અને ૩૦૦ કરોડ નેપાલ માર્ગે હવાલાથી મળ્યા

છાંગુરબાબા મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના માધાપુરનો રહેવાસી છે

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ કરવાના આરોપસર પકડવામાં આવેલા અને જાતે બની બેઠેલા ધર્મગુરુ જલાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબાને આશરે ૫૦૦ કરોડ રૂપિયા પાકિસ્તાન, સાઉદી અરેબિયા, દુબઈ અને ટર્કી સહિતના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી મળ્યા હતા. આમાંથી ૨૦૦ કરોડ રૂપિયાને સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે, જ્યારે ૩૦૦ કરોડ રૂપિયા ગેરકાયદે હવાલા-ચૅનલોનો ઉપયોગ કરીને નેપાલ માર્ગે ભારતમાં મોકલવામાં આવ્યા હતા. છાંગુરબાબા મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના માધાપુરનો રહેવાસી છે.

ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ગઈ કાલે માહિતી આપી હતી કે ભારતમાં ધર્મપરિવર્તન કરાવવા માટે નાણાં મોકલવા નેપાલના કાઠમાંડુ, નવલપરાસી, રૂપાંદેહી અને બાંકે જેવા સરહદી જિલ્લાઓમાં ૧૦૦થી વધુ બૅન્ક-અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં. નેપાલમાં એજન્ટોએ આશરે ચાર-પાંચ ટકા કમિશન લઈને આ નાણાં છાંગુરબાબાને ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી. ઘણા કેસમાં કૅશ ડિપોઝિટ મશીન (CDM)નો ઉપયોગ કરીને પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. આ ભંડોળ બલરામપુર, શ્રાવસ્તી, બહરાઇચ અને લખીમપુર જેવા ભારતીય જિલ્લાઓમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક મની એક્સચેન્જર્સ નેપાલી ચલણને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા હતા. બિહારના જિલ્લાઓ જેવા કે મધુબની, સીતામઢી, પૂર્ણિયા, કિશનગંજ, ચંપારણ અને સુપૌલના એજન્ટો પણ નેપાલમાંથી નાણાંની દાણચોરીમાં સામેલ હતા. અયોધ્યા જિલ્લામાં સૌથી વધુ ભંડોળ પ્રાપ્ત થયું હતું, જ્યાં હિન્દુ છોકરીઓને અન્ય ધર્મોમાં ધર્માંતરિત કરવાનો આરોપ છે. અધિકારીઓએ છાંગુરબાબા અને તેના સહાયકો સાથે જોડાયેલાં ૪૦ બૅન્ક-ખાતાંઓની તપાસ શરૂ કરી છે.

૧૦ વર્ષના રેકૉર્ડ માગ્યા

ATSએ છેલ્લાં ૧૦ વર્ષના આવકવેરા રેકૉર્ડ પણ માગ્યા છે. તપાસકર્તાઓને નવીન રોહરાનાં ૬ ખાતાંઓમાં ૩૪.૨૨ કરોડ રૂપિયા અને નસરીન નામની મહિલાના ખાતામાં ૧૩.૯૦ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. નસરીનને પૂછપરછ માટે અટકમાં લેવામાં આવી છે.

અધિકારીઓ હજી પણ શારજાહ, દુબઈ અથવા યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં છાંગુરબાબાનાં શંકાસ્પદ વિદેશી બૅન્ક-અકાઉન્ટ્સની તપાસ કરી રહ્યા છે.

પાંચ કરોડની હવેલી જમીનદોસ્ત

બલરામપુરમાં છાંગુરબાબા દ્વારા બાંધવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની હવેલી સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી છે. એ સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવી હતી. ૪૦ રૂમવાળા બંગલામાં માર્બલનો સિક્યૉરિટી ગેટ હતો. ૧૦ બુલડોઝરનો ઉપયોગ કરીને ત્રણ દિવસમાં આ હવેલી તોડી પાડવામાં આવી હતી.

Crime News uttar pradesh saudi arabia dubai turkey pakistan anti terrorism squad national news news