19 May, 2025 08:34 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વિક્રમ મીશ્રી (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
Vikram Misri on Ind Pak Tension: વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સોમવારે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલો યુદ્ધ સંઘર્ષ પરંપરાગત માધ્યમો સુધી મર્યાદિત હતો અને પડોશી દેશ તરફથી પરમાણુ હુમલાના કોઈ સંકેત નથી. સૂત્રોએ જણાવ્યું છે કે વિક્રમ મિશ્રીએ સરકારના વલણને પણ પુનરાવર્તિત કર્યું છે કે લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય દ્વિપક્ષીય સ્તરે લેવામાં આવ્યો હતો. આ સાથે, વિક્રમ મિશ્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા સંઘર્ષ રોકવાના દાવાઓને પણ ફગાવી દીધા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનલ્ડ ટ્રમ્પ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીને આ યુદ્ધ સંઘર્ષનો અંત લાવ્યો હતો. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે જો તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર ન કરાવ્યો હોત તો આ સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શક્યો હોત. Vikram Misri on Ind Pak Tension: સંસદીય પક્ષમાં હાજર કેટલાક વિપક્ષી સાંસદોએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે સીધી વાતચીત બાદ જ યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચે થઈ હતી વાતચીત
સોમવારે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઑપરેશન સિંદૂર પર સંસદીય પેનલને બ્રીફિંગ કરતી વખતે પુનરોચ્ચાર કર્યો કે યુદ્ધવિરામ પર પહોંચવાનો નિર્ણય દ્વિપક્ષીય સ્તરે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે 10 મેના રોજ બંને દેશો વચ્ચે ડીજીએમઓ (Director General of Military Operations) સ્તરે થયેલી વાતચીત બાદ, તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે કરાર થયો હતો.
ચીની શસ્ત્રો વિશે શું કહ્યું?
Vikram Misri on Ind Pak Tension: કૉંગ્રેસના સાંસદ શશિ થરુરની અધ્યક્ષતામાં મળેલી વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની આ બેઠકમાં ટીએમસીના અભિષેક બેનર્જી, કૉંગ્રેસના રાજીવ શુક્લા અને દીપેન્દ્ર હુડ્ડા, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના અપરાજિતા સારંગી અને અરુણ ગોવિલ સહિત ઘણા સાંસદોએ હાજરી આપી હતી. વિદેશ સચિવે આ દરમિયાન કહ્યું કે, હુમલા દરમિયાન પાકિસ્તાને ચીની હથિયારોનો ઉપયોગ કર્યો હતો કે નહીં તે મહત્ત્વનું નથી. વિક્રમ મિશ્રીએ કહ્યું કે વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારતીય લશ્કરી ઠેકાનાઓ અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોનો સશસ્ત્ર દળોએ યોગ્ય જવાબ આપ્યો છે.
કિરાણા હિલ્સ અંગે ભારતે આપ્યો જવાબ
આ પહેલા ભારતે કિરાણા હિલ્સમાં પરમાણુ સુવિધાઓ પર હુમલાના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. ઍર માર્શલ એ.કે. ભારતીએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પુષ્ટિ આપી હતી કે ભારતીય સશસ્ત્ર દળોએ કિરાણા હિલ્સ ખાતે પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી નથી.