ઓમાઇક્રોનને માઇલ્ડ ગણીને હળવાશથી ન લેતા

17 December, 2021 09:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અધિકારીએ ચેતવણી આપી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઓમાઇક્રોનના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અધિકારીએ ગઈ કાલે ઓમાઇક્રોનના કેસને માઇલ્ડ ગણીને હળવાશથી ન લેવાની સલાહ આપી હતી, કેમ કે બીજા કોઈ પણ વેરિઅન્ટ કરતાં ઓમાઇક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ-દ​ક્ષિણ-પૂર્વ એશિયાના રીજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ ક્ષેત્રપાલ સિંહે ઓમાઇક્રોનની ગંભીરતા વિશે દુનિયાને ચેતવ્યા હતા. ડૉ. સિંહે જણાવ્યું હતું કે ‘અત્યારના મર્યાદિત પુરાવાઓના આધારે જણાય છે કે ઓમાઇક્રોન આ પહેલાંના બીજા કોઈ પણ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાથી આવી રહેલા ડેટા સૂચવે છે કે ઓમાઇક્રોનથી રીઇન્ફેક્શનનું જોખમ વધ્યું છે, પરંતુ નક્કર તારણ પર આવવા માટે વધુ ડેટાની જરૂર છે.’
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓમાઇક્રોનથી એકંદરે કેટલો ખતરો થશે એનો આધાર ત્રણ બાબતો પર છે; એક, આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ચેપ ફેલાવે છે, બીજું, વૅક્સિન અને એ પહેલાંના ઇન્ફેક્શનથી જન્મેલા ઍન્ટિબૉડીઝ એનાથી બચવામાં કેટલું સક્ષમ રહેવાય છે અને ત્રીજું, કોરોના વાઇરસના આ પહેલાંના જુદા-જુદા વેરિઅન્ટ્સની સરખામણીમાં આ કેટલો ખતરનાક છે.
તેમણે કહ્યું કે ‘આપણે ઓમાઇક્રોનને માઇલ્ડ ગણીને એને હળવાશથી ન લેવો જોઈએ. ઓમાઇક્રોનથી ઓછી ગંભીર બીમારી થાય તો પણ એના કેસની કુલ સંખ્યા વધુ એક વખત આરોગ્યતંત્રને ખોરવી શકે છે.’
બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બૉરિસ જૉન્સને આ અઠવાડિયાની શરૂઆતમાં આવી જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઓમાઇક્રોનથી યુકેમાં પ્રથમ મૃત્યુ થયું હોવાનું કન્ફર્મ કર્યું હતું. ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓમાઇક્રોન માઇલ્ડ હોવાના અહેવાલ વચ્ચે જૉન્સને જણાવ્યું હતું કે ‘ઓમાઇક્રોન માઇલ્ડ હોવાના ખ્યાલને બાજુએ મૂકીને આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાય છે એના પર ફોકસ કરવું જોઈએ.’

coronavirus covid19 Omicron Variant national news world health organization