15 February, 2025 06:26 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
હાથમાં મેંદીથી મમ્મી-પપ્પાનાં નામ અને મોબાઇલ નંબર લખાવ્યો.
૮૦ના દસકાની ઘણી ફિલ્મોમાં જોવા મળતું કે કોઈ પાત્ર બાળપણમાં પોતાના પરિવારથી કુંભમેળામાં છૂટું પડી જાય કે ખોવાઈ જાય અને પછી વર્ષો બાદ મળે. આવું હકીકતમાં ન થાય એ માટે એક બુદ્ધિશાળી પરિવારે મહાકુંભમાં સ્નાન માટે જતાં પહેલાં એક એવો રસ્તો શોધી કાઢ્યો જેથી જો તકેદારી રાખવા છતાં બાળક છૂટું પડી જાય તો પણ તેમના સુધી પાછું પહોંચી જાય. મધ્ય પ્રદેશના ભોપાલથી મહાકુંભ-સ્નાન માટે ગયેલા ૧૧ જણના પરિવાર સાથે નાની ઉંમરનાં ચાર બાળકો હતાં. આ બાળકો ગિરદીમાં છૂટાં પડી જવાનો ડર હતો એટલે તેમણે અનોખી તરકીબ શોધી કાઢી. તેમણે દરેક બાળકના હાથમાં મેંદીથી માતાપિતાનાં નામ અને મોબાઇલ-નંબર લખી નાખ્યાં જેથી ધારો કે કોઈ બાળક ખોવાઈ જાય કે છૂટું પડી જાય તો જેને મળે તે હાથમાં લખેલા નંબર પર કૉન્ટૅક્ટ કરી શકે અને તેઓ બાળક સુધી પહોંચી શકે. બધાએ અપનાવવા જેવી સીધી, સરળ અને અસરકારક તરકીબ છે આ. લોકો પરિવારની આ સૂઝબૂઝનાં વખાણ કરી રહ્યા છે.