17 April, 2026 01:08 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
૨૪ જિએકી નામની આ રેસ્ટોરાંમાં AI ધરાવતો રોબો જીભનું સ્કૅનિંગ કરે છે
એ દિવસો ગયા જ્યારે રેસ્ટોરાંમાં જઈએ કે વેઇટર તરત પૂછે કે ‘શું લેશો?’ એને બદલે હવે જમાનો ઍડ્વાન્સ થઈ ગયો છે. હવે રોબો તમારું મોં અને જીભનો રંગ જોઈને કહેશે કે તમારા પેટને કઈ ચીજની જરૂર છે. ચીનના હાંગઝોઉમાં આવી એક રેસ્ટોરાં શરૂ થઈ ચૂકી છે જ્યાં ગ્રાહકોનો ચહેરો અને જીભ જોઈને શું ઑર્ડર આપવો એ વેઇટર નક્કી કરે છે. ૨૪ જિએકી નામની આ રેસ્ટોરાંમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ધરાવતો રોબો જીભનું સ્કૅનિંગ કરે છે. એ પછી કેટલાક સવાલ પૂછે છે જેના કસ્ટમરે જવાબ આપવાના હોય. રોબો તમારી લાઇફસ્ટાઇલ, મૂડ, પાચન ક્ષમતા વિશે સવાલો કરે છે અને શરીરના નિરીક્ષણના આધારે તમારી હેલ્થ માટે શું સારું છે એનું સજેશન આપે છે. આ રેસ્ટોરાંમાં આવા આઠ રોબો કામ કરે છે જે ઑર્ડર લેવાનું, ખાવાનું બનાવવાનું અને સર્વ કરવાનું કામ કરે છે. આ રોબો માણસ જેવી જ કુકિંગ પૅટર્ન વાપરે છે. આ રેસ્ટોરાંમાં ૧૦૦થી વધુ વાનગીઓ સર્વ થાય છે અને કિચનમાં ૬૦ ટકા કામ રોબો દ્વારા થાય છે.