29 October, 2024 03:43 PM IST | China | Gujarati Mid-day Correspondent
૩૧ વર્ષની મહિલા પ્રોફેસર યાંગ જુમેઇ
સામાન્ય રીતે શિક્ષકો અને પ્રોફેસરો વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પોતે શું ભણાવે છે અને તેમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ આજે ક્યાં છે એ કહેતા હોય છે, પણ દક્ષિણ ચીનની ૩૧ વર્ષની મહિલા પ્રોફેસર યાંગ જુમેઇએ કેમિસ્ટ્રીના પીએચડી ઉમેદવારો અને પોસ્ટ ડૉક્ટરલ ફેલોની ભરતી માટે પોતે વર્કઆઉટ કરતાં હોય એવો વિડિયો પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને ઍડ્મિશન માટે આકર્ષ્યા છે. હાર્બિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના શેન્ઝેન કૅમ્પસની પ્રોફેસર યાંગે એ વિડિયોમાં બાવડાં ફુલાવીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે. પ્રોફેસર યાંગ ૨૦૧૫માં પૂર્વ ચીનના જિઆંગસુ રાજ્યની નાનજિંગ યુનિવર્સિટીમાં સ્નાતક થયા પછી ૨૦૨૦માં અમેરિકાના ટેક્સસની A&M યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાનમાં પીએચડી થયાં છે. કસરતી પિતા પાસેથી પ્રેરણા લઈને તેમણે અમેરિકામાં ભણતાં હતાં ત્યારથી વર્કઆઉટ શરૂ કર્યું હતું. પીએચડીના ભણતરના ભારને કારણે તેમને ચિંતા થવા લાગી અને ભૂલવાની બીમારી થઈ હતી, પણ નિયમિત કસરત કર્યા પછી પોતે સ્વસ્થ થયાં હતાં. રસાયણવિજ્ઞાન ભણાવતી વખતે યાંગ વ્યાયામ કરતી વખતે શરીરમાં થનારી રાસાયણિક પ્રક્રિયા પણ સમજાવે છે. તેમનું કહેવું છે કે વર્કઆઉટ કરીએ ત્યારે શરીરમાંથી એન્ડોર્ફિન અને ડોપામાઇન બને છે જે માણસને પ્રસન્ન રાખે છે.