19 June, 2025 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૯૩ વર્ષના દાદા બચત કરીને પત્ની માટે મંગળસૂત્ર લેવા આવ્યા, એ યુગલનો પ્રેમ જોઈને દુકાનદારે જે કર્યું એ આંખો ભીંજવી દે છે
સોશ્યલ મીડિયામાં મહારાષ્ટ્રના સંભાજીનગરનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જે દરેક જોનારની આંખ ભીંજવી જાય એવો છે. ૯૩ વર્ષના એક દાદા પરંપરાગત મહારાષ્ટ્રિયન ટોપી અને સફેદ કપડાં પહેરીને પત્ની સાથે જ્વેલરની દુકાનમાં જાય છે. તેમને પોતાની પત્ની માટે મંગળસૂત્ર જોઈએ છે. એક નાજુક માળા અને મંગળસૂત્ર જોઈને દાદીના ચહેરા પર ચમક આવી જાય છે. એ જોઈને દાદાના ચહેરા પર પણ ચમક આવી જાય છે અને એની કિંમત શું છે એ પૂછે છે. જોકે દુકાનદાર તેને સામે પૂછે છે કે તમારી પાસે કેટલા રૂપિયા છે? દાદી ખૂબ સંભાળીને રાખેલા બટવામાંથી થોડી નોટો કાઢે છે. એમાંથી ૧૧૨૦ રૂપિયા નીકળે છે. દાદાજીને લાગે છે કે એ પૂરતા નથી એટલે તેઓ પણ સિક્કા ભરેલી બે ગઠરી કાઢે છે. તમામ બચત એકઠી કરીને દાદાજી કોઈ પણ રીતે પત્નીને ભેટ આપવા માગે છે. જોકે એ દૃશ્ય જોઈને દુકાનદારનું દિલ પીગળી જાય છે. ઇમોશનલ થઈ ગયેલો દુકાનદાર દાદીએ આપેલી નોટોમાંથી ૧૦-૧૦ રૂપિયાની બે નોટ રાખી લે છે અને તેમને મંગળસૂત્ર અને માળા પૅક કરીને આપી દે છે. એ જોઈને દાદા-દાદીની આંખોમાં આંસુ ઊભરાઈ આવે છે.
આ દંપતીનો મોટો દીકરો ગુજરી ગયો છે અને નાનો દીકરો દારૂડિયો હોવાથી બન્ને એકલાં રહે છે. દુકાનદારનું કહેવું હતું કે આ ઉંમરમાં એકમેક માટેનો આટલો પ્રેમ એ નવી પેઢી માટે મિસાલ છે અને એટલે જ મેં માત્ર ૨૦ રૂપિયા આશીર્વાદ તરીકે લીધા હતા.