02 January, 2026 01:14 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પોલીસે દીપેશની ખૂબ કડક પૂછપરછ કરી તો ખબર પડી કે તેને મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાનું બહુ ગમતું હતું
મધ્ય પ્રદેશના ભોપાલમાં એક અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે. એક યુવક મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સ જ ચોરતા હતો. ભોપાલના કોલાર વિસ્તારમાં ઘરની બહાર ક્યાંય પણ મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ સુકાતાં હોય એ ગાયબ થઈ જવાના કિસ્સા વધી ગયા હતા. જોકે આ એવી બાબત હતી કે કોઈ એની ફરિયાદ નોંધાવતું નહીં. જોકે મંગળવારે રાતે એક કૉલોનીમાં રહેતા ડેરી-સંચાલકે પોતાના ઘરની બાલ્કનીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિને ઘૂસતો જોયો. રાતના લગભગ ૧૨ વાગ્યાનો સમય હતો અને હલનચલન માત્ર પડછાયામાં જ દેખાતું હતું. માલિકે બૂમ પાડી તો પેલો ઓછાયો હાથમાં જે આવ્યું એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. ભાગતાં-ભાગતાં તેનું પોતાના નામનું શ્રમિક કાર્ડ ત્યાં જ પડી ગયું. એના પર દીપેશ નામ લખ્યું હતું. પેલા ઘરના માલિકે પોલીસમાં જઈને આ કાર્ડ આપ્યું અને રાતના સમયે ઘરમાં ચોરી કરવાના આશયથી આ માણસ આવ્યો હતો એવી ફરિયાદ લખાવી. કાર્ડને કારણે તેનું નામ અને તે ક્યાં રહે છે એ બહુ સ્પષ્ટ હતું. બુધવારે બપોરે પોલીસે એ ઍડ્રેસ પર છાપો માર્યો. તે એકલો જ રહેતો હોવા છતાં તેના ઘરમાં ખૂબબધાં અન્ડરગાર્મેન્ટ્સ મળી આવ્યાં. બીજી કોઈ જ કીમતી ચીજ તેના ઘરમાંથી મળી નહોતી. પોલીસે દીપેશની ખૂબ કડક પૂછપરછ કરી તો ખબર પડી કે તેને મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાનું બહુ ગમતું હતું. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે પણ અંદર એ પહેર્યાં હતાં. જાતે ખરીદવા જઈ શકાય એમ નહોતું એટલે તે રાતના સમયે બહાર સુકાતાં અન્ડરગાર્મેન્ટ્સ ઉપાડી જતો હતો. એ વિસ્તારમાં તેણે બીજાં અનેક ઘરોમાં આવી ચોરી કરી હતી.