18 January, 2025 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લુકા મેજસેન
અનેક વિદેશી સેલિબ્રિટીઝ ભારતમાં આધ્યાત્મના માર્ગ ખેડવા આવતા હોય છે, પરંતુ સ્લોવેનિયાનો એક ફુટબૉલર જે અન્ડર-18 અને અન્ડર-21 કૅટેગરીમાં ઇન્ટરનૅશનલ લેવલે દેશ માટે રમી ચૂકેલો એક ખેલાડી ભારતમાં રમવા આવ્યો હતો અને અનાયાસ તેની સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ થઈ ગઈ. વાત છે લુકા મેજસેન નામના ફુટબૉલરની. હાલમાં તે ઇન્ડિયન સુપર લીગમાં પંજાબની ટીમ માટે રમે છે. તેણે એક પુસ્તકમાં ભગવાન શિવ વિશે વાંચ્યું હતું. એ પછી તે સાથી ખેલાડીના ઘરે ગયો ત્યારે તેની મમ્મી પૂજા કરી રહી હતી અને માથે તિલક લગાવેલું હતું. કપાળે તિલક કેમ કરવાનું એની વાત કરતાં શિવજીના રુદ્ર અવતારની વાત તેને ખબર પડી. બસ, તેને શિવજીના રુદ્ર અવતાર વિશે જાણવામાં ખૂબ રસ પડતાં તેણે આ વિશે ઇન્ટરનેટ ફંફોસ્યું. શિવના અગ્રેસિવ અવતારને રુદ્ર કેમ કહેવાય છે એ જાણીને તેને પોતાની અંદરના ગુસ્સાને કારણે શિવજી સાથે અનોખું જોડાણ અનુભવાવા લાગ્યું. તેને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શિવજીના મંત્રજાપ અને મેડિટેશન કરવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની પીઠ પર ભગવાન શિવનું ચિત્ર ત્રોફાવ્યું છે અને એની સાથે મહામૃત્યુંજય મંત્ર પણ છે.