આજે બીસીસીઆઇની એજીએમમાં ઓમાઇક્રોન બની શકે નિર્ણાયક

04 December, 2021 11:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગાંગુલીના પ્રમુખ સ્થાને ટીમ ઇન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પર થશે સઘન ચર્ચા

સૌરવ ગાંગુલી

ડેલ્ટા વેરિઅન્ટથી પણ ઝડપથી ફેલાઈ રહેલા ઓમાઇક્રોન વેરિઅન્ટના સાઉથ આફ્રિકામાં અસંખ્ય કેસ નોંધાતાં ભારતીય ક્રિકેટ ટીમનો આ મહિને એ દેશનો પ્રવાસ શરૂ થઈ શકશે કે નહીં એ વિશે આજે કલકત્તામાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની યોજાનારી ૯૦મી વાર્ષિક સામાન્ય સભામાં બોર્ડપ્રમુખ સૌરવ ગાંગુલીના અધ્યક્ષસ્થાને સઘન ચર્ચા થશે. સભામાં ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ સહિત કુલ ૨૪ મુદ્દે ચર્ચા થવાની છે, પરંતુ ભારતીય ટીમની ટૂર પરની ચર્ચાને સૌથી વધુ સમય અપાય એવી ધારણા છે. આામાઇક્રોનના કેસની શરૂઆત સાઉથ આફ્રિકાથી થઈ હતી. એ જોતાં, ટીમ ઇન્ડિયાની ટૂર ચાલુ રહેશે કે રદ થશે કે મુલતવી રખાશે એ જોવું રહ્યું.
પ્રથમ ટેસ્ટનું સ્થળ ઓમાઇક્રોનગ્રસ્ત
મૂળ શેડ્યુલ પ્રમાણે ભારતીય ટીમ ૮ કે ૯ ડિસેમ્બરે સાઉથ આફ્રિકા જવા રવાના થશે અને ૧૭ ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ જોહનિસબર્ગમાં રમાશે. જોકે જોહનિસબર્ગ શહેર ગૉટેન્ગ પ્રાંતમાં આવેલું છે અને આ પ્રાંતમાં ઓમાઇક્રોનના ઘણા કેસ નોંધાયા છે. બીજી ટેસ્ટ સેન્ચુરિયનમાં અને ત્રીજી કેપ ટાઉનમાં રમાશે. ત્યાર પછી ત્રણ વન-ડે અને ચાર ટી૨૦ રમવાનું નક્કી થયું છે.
ઇંગ્લૅન્ડમાં કોવિડથી સમસ્યા સર્જાઈ હતી
સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-શ્રેણીમાં ૨-૧થી આગળ હતી ત્યારે ભારતીય ટીમના બાયો-બબલમાં જ કોવિડ-પૉઝિટિવના કેસ નોંધાતાં આખરી ટેસ્ટ નહોતી રમાઈ અને એ હવે આગામી જુલાઈમાં રમાવાની છે. 
એ જોતાં આજે બીસીસીઆઇની મીટિંગમાં મેમ્બરો સાઉથ આફ્રિકા ખાતેના પ્રવાસ સંબંધમાં લાંબી ચર્ચા કરે એવી સંભાવના છે.

sports sports news cricket news board of control for cricket in india india south africa Omicron Variant coronavirus covid19