વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે હિટમૅનનાં મમ્મી-પપ્પાએ કર્યું રોહિત શર્મા સ્ટૅન્ડનું ઉદ્ઘાટન

17 May, 2025 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનાવરણ સમયે ભાવુક થઈ ગઈ રોહિતની પત્ની રિતિકા સજદેહ

વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે દીકરાના નામના સ્ટૅન્ડનું બટન દબાવીને ઉદ્ઘાટન કરતાં રોહિત શર્માનાં મમ્મી-પપ્પા (તસવીરો : સૈયદ સમીર અબેદી)

મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ત્રણ નવાં સ્ટૅન્ડ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને ભારતના પહેલા વન-ડે કૅપ્ટન અજિત વાડેકરનાં સ્ટૅન્ડ્સ સાથે ભારતના વર્તમાન વન-ડે કૅપ્ટન રોહિત શર્માના નામના સ્ટૅન્ડના અનાવરણનો કાર્યક્રમ ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશને (MCA) આયોજિત કર્યો હતો. મંચ પર દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર, દિવંગત અજિત વાડેકરની ફૅમિલી અને રોહિત શર્માનાં મમ્મી-પપ્પા તથા પત્નીને સાથે રાખીને આ ત્રણેય નવાં સ્ટૅન્ડ્સનું અનાવરણ કર્યું હતું. MCAના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેની યાદમાં MCA ઑફિસ લાઉન્જનું નામ પણ બદલવામાં આવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સ, મિત્રો, મમ્મી-પપ્પા અને પત્નીની હાજરીમાં રોહિત શર્માએ પોતાના નામના સ્ટૅન્ડને જોઈને ગર્વની લાગણી અનુભવી હતી. તેની પત્ની રિતિકા સજદેહ એક ક્ષણ માટે સ્ટેજ પર ભાવુક થઈને રડી પડી હતી. રોહિતે આ કાર્યક્રમમાં કહ્યું, ‘આજે જે થઈ રહ્યું છે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમે ઘણાં બધાં સીમાચિહ્‍‍નો હાંસલ કરવાનો પ્રયાસ કરો છો, પરંતુ આ કંઈક ખાસ છે, કારણ કે વાનખેડે સ્ટેડિયમ અલગ છે અને અહીં ઘણી યાદો બની છે. રમતગમતના સ્ટાર અને વિશ્વના શ્રેષ્ઠ રાજકારણી વચ્ચે (સ્ટેડિયમમાં) મારું નામ હોવાની લાગણી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. હું ખૂબ આભારી છું. હું હજી પણ રમી રહ્યો છું અને બે ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે હું ૨૧ તારીખે (મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં) અહીં રમીશ અને મારા નામનું એક સ્ટૅન્ડ પણ હશે ત્યારે એ ખાસ રહેશે. ભારત માટે અહીં રમવું પણ ખૂબ જ સ્પેશ્યલ રહેશે. મારો પરિવાર, માતા-પિતા, ભાઈ અને પત્ની અહીં છે. તેમણે મારા માટે જે બલિદાન આપ્યું છે એના માટે હું તેમનો આભારી છું. મારી ખાસ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સ પણ અહીં છે અને તેઓ મારું ભાષણ પૂરું થયા પછી પ્રૅક્ટિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. પવારસાહેબ અને દેવેન્દ્ર ફડણવીસનો પણ આભાર, જેમણે આ દિવસને ખાસ બનાવ્યો.’

rohit sharma wankhede mumbai indian cricket team cricket news sports sports news mumbai cricket association devendra fadnavis ritika sajdeh