ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

12 February, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની ત્રણ મૅચ - શ્રીલંકા vs ઓમાન, નેપાલ vs ઇટલી, ભારત vs નામિબિયા

શ્રીલંકાનો કૅપ્ટન દસુન સનાકા, ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ

શ્રીલંકા vs ઓમાન : સવારે ૧૧.૦૦ વાગ્યે, પલેકેલે

T20 વર્લ્ડ કપ 2026ના છઠ્ઠા દિવસે પહેલી મૅચ પલેકેલેમાં યજમાન શ્રીલંકા અને ઓમાન વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચે પહેલી જ વખત T20 મૅચ રમાશે. જૂન ૨૦૨૩માં રમાયેલી એકમાત્ર વન-ડે મૅચમાં શ્રીલંકાએ હરીફ ઓમાન સામે ૧૦ વિકેટે જીત મેળવી હતી. ગ્રુપ Bની ટીમો વચ્ચેની ટક્કરોમાં શ્રીલંકાએ પહેલી મૅચ આયરલૅન્ડ સામે ૧૦ રને જીતી હતી, જ્યારે ભારતીય મૂળના જતિન્દર સિંહના નેતૃત્વમાં ઓમાને ઝિમ્બાબ્વે સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

નેપાલ vs ઇટલી : બપોરે ૩.૦૦ વાગ્યે, મુંબઈ

નેપાલનો કૅપ્ટન રોહિત પૌડેલ, ઇટલીનો કૅપ્ટન વેઇન મૅડસન

ગ્રુપ Cની ટીમ નેપાલ અને ઇટલી આજે બપોરે વાનખેડે સ્ટેડિયમમાં વર્તમાન વર્લ્ડ કપની પહેલી જીત મેળવવાના ટાર્ગેટ સાથે ઊતરશે. નેપાલ આ જ મેદાન પર ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટક્કરમાં માત્ર ૪ રને હાર્યું હતું, જ્યારે ઇટલીએ સ્કૉટલૅન્ડ સામે ૭૩ રને કારમી હાર સાથે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ બન્ને ટીમ પહેલી જ વખત ટકરાશે.

ભારત vs નામિબિયા : સાંજે ૭.૦૦ વાગ્યે, દિલ્હી

ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, નામિબિયાનો કૅપ્ટન ગેરહાર્ડ ઍરાસ્મસ

આજની અંતિમ મૅચમાં નંબર વન ભારતની ટક્કર ૧૫મા ક્રમની ટીમ નામિબિયા સામે થશે. ગ્રુપ Aની આ બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૧ના T20 વર્લ્ડ કપ દરમ્યાન મૅચ રમાઈ હતી. ભારતે આ બન્ને મૅચમાં અનુક્રમે ૧૮૧ રન અને ૯ વિકેટે જીત મેળવી હતી. નામિબિયાને આ જ મેદાન પર મંગળવારે નેધરલૅન્ડ્સ સામેની પહેલી મૅચમાં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં અમેરિકાને હરાવી ચૂકેલી ભારતીય ટીમ આજે સતત બીજા વિજયની આશા સાથે મેદાન પર ઊતરશે.

t20 world cup international cricket council world cup cricket news sports sports news sri lanka oman nepal italy india namibia wankhede mumbai arun jaitley stadium new delhi