17 February, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, કૅનેડાનો કૅપ્ટન દિલપ્રીત બાજવા
અગિયારમા દિવસે પહેલી ટક્કર ગ્રુપ Dની ટીમ ન્યુ ઝીલૅન્ડ અને કૅનેડા વચ્ચે થશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ બન્ને ટીમ ૧૫ વર્ષ બાદ અને T20માં પહેલી વખત ટકરાશે. બન્ને વચ્ચે ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૧માં વન-ડે મૅચ રમાઈ હતી. એ તમામમાં ન્યુ ઝીલૅન્ડે શાનદાર જીત નોંધાવી હતી. પોતાની બન્ને મૅચ હારી ચૂકેલા કૅનેડા સામે જીત મેળવીને ન્યુ ઝીલૅન્ડ પોતાની સુપર 8ની એન્ટ્રી સુનિશ્ચિત કરવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ જો પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ હારશે તો અફઘાનિસ્તાન અને યુનાઇટેડ આરબ અેમિરેટ્સ પાસે બીજા નંબરની ટીમ બનવાની તક રહેશે. ગ્રુપની ટૉપર ટીમ સાઉથ આફ્રિકાએ આગળના રાઉન્ડ માટે ક્વૉલિફાય કરી લીધું છે.
આયરલૅન્ડનો નવો કૅપ્ટન લૉર્કન ટકર, ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા
આજે બપોરે ઝિમ્બાબ્વે ગ્રુપ Bમાં ટૉપ ટૂમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા આયરલૅન્ડ સામે ટકરાશે. આયરલૅન્ડે પોતાની ત્રીજી મૅચમાં ઓમાનને માત આપી પહેલી જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વે ઓમાન અને ઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત નોંધાવી ચૂકયું છે. T20માં આ બન્ને ટીમનો રેકૉર્ડ બરાબરીનો રહ્યો છે. ૧૮ મૅચમાંથી બન્ને ટીમે ૮-૮ મૅચ જીતી છે જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. આ બે નો-રિઝલ્ટ મૅચ ૨૦૨૫ની ૩ મૅચની સિરીઝમાં જોવા મળી હતી.
સ્કૉટલૅન્ડનો કૅપ્ટન રિચી બેરિંગ્ટન, નેપાલનો કૅપ્ટન રોહિત પૌડેલ
ગ્રુપ Cની ટીમ સ્કૉટલૅન્ડ અને નેપાલ આજે મુંબઈમાં સાંજની મૅચ જીતીને પોતાના અભિયાનનો સુખદ અંત લાવવાનો પ્રયાસ કરશે. ગ્રુપ Cમાંથી વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડની ટીમ સુપર 8 રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. સ્કૉટલૅન્ડને પોતાની બીજી મૅચમાં ઇટલી સામે એકમાત્ર જીત મળી હતી જ્યારે નેપાલ પોતાની પહેલી જીતની શોધમાં છે. આ બન્ને ટીમ વચ્ચે ૩ T20 મૅચ રમાઈ હતી એમાંથી સ્કૉટલૅન્ડ બે અને નેપાલ એક મૅચ જીત્યું છે.