07 February, 2026 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાદશાહ, નોરા ફતેફી, રિષભ શર્મા અને શિવામણિ ઓપનિંગ સેરેમનીમાં ચાર ચાંદ લગાવશે
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમની માટે ગઈ કાલે સાંજે મોટી જાહેરાત કરી હતી. ભારત અને અમેરિકાની મૅચ પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૬ વાગ્યાથી મ્યુઝિક અને ડાન્સ સાથે શાનદાર ઓપનિંગ સેરેમનીની શરૂઆત થશે. બૉલીવુડ સ્ટાર નોરા ફતેફી, સિંગર-રૅપર બાદશાહ, સિતારવાદક રિષભ શર્મા અને સંગીતકાર શિવામણિ ઓપનિંગ સેરેમનીમાં ચાર ચાંદ લગાવશે.
એશિયાના મોટા ભાગના દેશો અને પ્લેયર્સની સ્કૂલ-કૉલેજની વિઝિટ બાદ વર્લ્ડ કપ ટ્રોફીનું વાનખેડે સ્ટેડિયમમાં ICC ચૅરમૅન જય શાહ, વર્લ્ડ કપ બ્રૅન્ડ ઍમ્બૅસેડર રોહિત શર્મા અને દરેક ભાગ લેનારા દેશનું પ્રતિનિધિત્વ કરતા ૨૦ યુવા રાજદૂતોની હાજરીમાં શાનદાર સ્વાગત થશે. જેટપૅક ફ્લાઇંગ મશીનથી એક કલાકાર વાનખેડેમાં T20 વર્લ્ડ કપ ટ્રોફીની ધમાકેદાર એન્ટ્રી કરાવશે.