16 October, 2025 11:10 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હાલ ચાલી રહેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે પ્રથમ બન્ને મૅચ જીત્યા બાદ સતત બે હાર સાથે બૅકફુટ પર આવી ગઈ છે અને સેમી ફાઇલનની રાહ થોડીક મુશ્કેલ થઈ ગઈ છે. રવિવારે ઇંગ્લૅન્ડ સામેની ટક્કર માટે ઇન્દોર પહોંચેલી ટીમે ગઈ કાલે ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર જઈને આશીર્વાદ લીધા હતા. એના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયા હતા.
હરમનપ્રીત કૌર, સ્મૃતિ માન્ધના, પ્રતિકા રાવલ, હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, શ્રી ચરણી વગેરે ખેલાડીઓ સહિત કોચિંગ સ્ટાફ વહેલી સવારની ભસ્મ-આરતીમાં સામેલ થયાં હતાં અને નંદી હૉલમાં પૂજા-અર્ચના કરી હતી. ખેલાડીઓએ નંદી હૉલમાં બેસીને ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા અને આગામી મૅચમાં શાનદાર પ્રદર્શન અને વર્લ્ડ કપ જીતવા માટે પ્રાર્થના કરી હતી.
ભારતીય ટીમે હવે રવિવારે ઇંગ્લૅન્ડ બાદ ગુરુવારે ન્યુ ઝીલૅન્ડ જેવી ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમો સામેની ડૂ ઑર ડાઇ સમાન ટક્કર માટે મેદાનમાં ઊતરવાનું છે. છેલ્લી લીગમાં અનપ્રિડિક્ટેબલ બંગલાદેશ સામે રમવાનું છે. સેમી ફાઇનલની આશા જીવંત રાખવા બાકીની ત્રણેય મૅચ જીતવી જરૂરી બની ગઈ છે. ત્રણેય મૅચ ભારતીય ટીમ જીતી જાય તો ૧૦ પૉઇન્ટ સાથે એ સેમી ફાઇલનમાં પ્રવેશ નિશ્ચિત કરી લેશે. ત્રણમાંથી બે મૅચ જીતીને પણ આગળ વધી શકે છે પણ એ માટે રનરેટ બહેતર રાખવો પડશે.
ધીમી હરમનપ્રીત ઍન્ડ કંપનીને થયો દંડ
છેલ્લી બે મૅચમાં હારથી હતાશ ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી મૅચમાં ધીમી ઓવર-રેટ બદલ મૅચ રેફરીએ પાંચ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો હતો. ભારતીય ટીમે નિર્ધારિત સમયે એક ઓવર ઓછી નાખી હતી. ભારતીય કૅપ્ટન હરમનપ્રીતે ગુનો સ્વીકારી લીધો હતો. ભારતીય ટીમની આ મૅચમાં ૩ વિકેટથી હાર થઈ હતી.