28 April, 2025 05:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વિજય માલ્યા અને RCBની ટીમ સાથે તેણે કરેલી પોસ્ટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ટુર્નામેન્ટમાં રજત પાટીદારના સુકાની હેઠળની રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે (RCB) આ સિઝન સારું પ્રદર્શન કર્યું છે. પ્લેઑફમાં પોતાનું સ્થાન નક્કી કરવાથી RCB હવે ફક્ત એક જીત દૂર છે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે છેલ્લી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ (DC) સામે વિજય મેળવ્યો છે. આ જીત સાથે, રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ ઓરેન્જ કૅપ જીતી છે, જ્યારે જોશ હૅઝલવુડને પર્પલ કૅપ આપવામાં આવી છે. આ સાથે, આ વર્ષે બધું રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરના માર્ગે જઈ રહ્યું હોય તેવું લાગે છે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે 10 માંથી 7 મૅચ જીતી છે અને 3 મૅચ હારી છે. આરસીબીના ૧૪ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +૦.૫૨૧ છે. જોકે ટીમની આ જીતથી સૌથી વધુ ખુશ ભારતમાંથી હજારો કરોડ રૂપિયાની લોન લઈને ભાગી જનાર ભાગેડુ વિજય માલ્યા હોય હેવું એવું લાગી રહ્યું છે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરનો ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા આ પ્રદર્શનથી ખુશ છે. આ જીત બાદ તેણે તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે.
IPL 2025 ટુર્નામેન્ટની 46મી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે દિલ્હી કૅપિટલ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો. આ જીત બાદ વિજય માલ્યાએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા. તેણે લખ્યું, `દિલ્હી કૅપિટલ્સ પર શાનદાર જીત બદલ RCBને અભિનંદન.` છ મૅચમાંથી છ જીત... IPLમાં એક રેકોર્ડ. ટીમ માટે ઓરેન્જ અને પર્પલ કૅપ બોનસ છે. અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી જ હિંમતથી રમતા રહો. જોકે, આ ટ્વીટમાં વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું છે, જે છેલ્લા 18 વર્ષથી RCB માટે રમે છે. તેનો ઉલ્લેખ ફક્ત ઓરેન્જ કૅપ તરીકે જ થાય છે. વિજય માલ્યા વિવિધ બૅન્કમાંથી 9000 કરોડ રૂપિયાની લોન લઈને ફરાર થઈ ગયો છે. તેણે 2016 માં RCB છોડી દીધી અને RCB સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. વિજય માલ્યાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ અનેક ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેને લોનના પૈસા પરત ચૂકવવાનું કહીં રહ્યા છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરને IPL 2025 ના પ્લેઑફમાં સ્થાન મેળવવા માટે બાકીની ચાર મૅચોમાંથી એક જીતવાની જરૂર છે. પરંતુ ટોપ 2 માં પ્રવેશ મેળવવા માટે, તેમને ચારેય મૅચ જીતવી પડશે. જો ટોચની 2 ટીમો તેમની પ્લેઓફ મૅચ જીતી જાય તો તેઓ સીધા ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે. દરમિયાન, આરસીબીનો આગામી મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. જો RCB આ મૅચ જીતી જાય છે, તો તેમનું પ્લેઓફ સ્થાન નિશ્ચિત થઈ જશે. તેથી ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની બધી આશાઓ ખતમ થઈ જશે. તેઓ સ્પર્ધામાંથી સત્તાવાર રીતે બહાર થનારી પ્રથમ ટીમ હશે.