13 April, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે વિરાટ કોહલીએ ૩૮ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરના આધારે ૫૦ રન ફટકાર્યા હતા. ૧૩૧.૫૮ના સ્ટ્રાઇક-રેટથી ફટકારેલી આ ઇનિંગ્સ દરમ્યાન તેણે કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા. સાથી ઓપનર ફિલ સૉલ્ટ સાથે તેણે ૧૨૦ રનની ઓપનિંગ પાર્ટરનશિપ કરી હતી. શાનદાર ઓપનિંગ ભાગીદારીની મદદથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેનો હાઇએસ્ટ ૨૪૦/૪નો સ્કોર કર્યો હતો. તે T20 ક્રિકેટમાં હાઇએસ્ટ ૪૭ સેન્ચુરી પાર્ટરનશિપનો ભાગ બનનાર ખેલાડી બન્યો હતો. વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ અને પાકિસ્તાનનો બાબર આઝમ ૪૬ શતકીય ભાગીદારી સાથે હવે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. વિરાટ મુંબઈ સામે ૧૦૦૦ રન કરનાર પહેલો બૅટર પણ બન્યો હતો. વિરાટ ચેન્નઈ, પંજાબ, દિલ્હી અને કલકત્તા સામે પણ ૧૦૦૦+ રન ફટકારી ચૂક્યો છે.
રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ૪ ઓવરમાં ૩૫ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. પહેલી વખત તે IPLમાં સતત પાંચ મૅચમાં વિકેટલેસ રહ્યો છે. અગાઉ ૨૦૧૪માં સતત ૪ મૅચમાં ખતરનાક પેસ બોલર જસપ્રીત બુમરાહ વિકેટલેસ રહ્યો હતો. જસપ્રીત બુમરાહનો વિકેટલેસ રહેવાનો સિલસિલો ગયા સીઝનની પંજાબ કિંગ્સ સામેની મૅચથી શરૂ થયો હતો. વર્તમાન સીઝનની સતત ચોથી મૅચમાં તે હરીફ ટીમના બૅટરની વિકેટ લેવામાં નિષ્ફળ ગયો છે.
જસપ્રીત બુમરાહની છેલ્લી પાંચ વિકેટલેસ રહેલી IPL ઇનિંગ્સ
પંજાબ કિંગ્સ સામે ૪ ઓવરમાં ૪૦ રન
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૪ ઓવરમાં ૩૫ રન
દિલ્હી કૅપિટલ્સ સામે ૪ ઓવરમાં ૨૧ રન
રાજસ્થાન રૉયલ્સ સામે ૩ ઓવરમાં ૩૨ રન
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ૪ ઓવરમાં ૩૫ રન