જ્યારે જીતની સંભાવના માત્ર ૧૬.૯૮ ટકા હતી ત્યારે હેઝલવુડે એક રન આપીને બે વિકેટ લઈને બાજી મારી લીધી

26 April, 2025 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે સીઝનની પહેલી જીત મેળવી બૅન્ગલોરે, ૧૫ વર્ષ બાદ IPLમાં સળંગ પાંચ મૅચ હાર્યું રાજસ્થાન રૉયલ્સ

જોશ હેઝલવુડ

IPL 2025ની ૪૨મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૧૧ રને જીત મેળવી હતી. વિરાટ કોહલીની ૭૦ રનની ઇનિંગ્સની મદદથી બૅન્ગલોરે પાંચ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા હતા. રન-ચેઝ કરવા ઊતરેલું રાજસ્થાન ૨૯ રનમાં પાંચ વિકેટ ગુમાવીને ૯ વિકેટે ૧૯૪ રન કરી શક્યું હતું. ત્રણ મૅચ હાર્યા બાદ બૅન્ગલોરે ઘરઆંગણે પહેલી જીત નોંધાવી હતી.

રન-ચેઝ કરવામાં સળંગ ત્રીજી મૅચમાં નિષ્ફળ રહેલું રાજસ્થાન સળંગ પાંચ મૅચ હાર્યું છે. ૨૦૦૯-’૧૦ની સીઝન બાદ એ પહેલી વાર IPLમાં સળંગ પાંચ મૅચ હાર્યું છે.  

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ૪ ઓવરમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લઈને બૅન્ગલોર માટે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેણે રાજસ્થાનના ઓપનર યશસ્વી જાયસવાલ (૧૯ બૉલમાં ૪૯ રન), વિકેટકીપર બૅટર ધ્રુવ જુરેલ (૩૪ બૉલમાં ૪૭ રન), ફિનિશર શિમરન હેટમાયર (૮ બૉલમાં ૧૧ રન) અને પૂંછડિયા બૅટર જોફ્રા આર્ચર (એક બૉલ-ઝીરો)ની વિકેટ લઈને આ રોમાંચક મૅચમાં બૅન્ગલોરની વાપસી કરાવીને શાનદાર જીત અપાવી હતી.

મૅચમાં ડેથ ઓવર્સ એટલે કે અંતિમ ઓવર્સમાં જ્યારે રાજસ્થાનને ૪ ઓવરમાં ૪૬ રનની જરૂર હતી ત્યારે એણે બે ઓવરમાં માત્ર ૭ રન આપીને ૩ વિકેટ લઈને બૅન્ગલોરની જીતની ટકાવારીમાં વધારો કર્યો હતો. ૧૯મી ઓવર પહેલાં જ્યારે ટીમની જીતની સંભાવના ૧૬.૯૮ ટકા હતી ત્યારે તેણે માત્ર ૧ રન આપીને બે વિકેટ લઈને ટીમની જીતની ટકાવારી વધારી દીધી હતી. રાજસ્થાન અંતિમ ઓવરમાં જરૂરી ૧૭ રન સામે માત્ર પાંચ રન કરી શક્યું હતું.

150
આટલી T20 વિકેટ પૂરી કરી જોશ હેઝલવુડે, IPLમાં ૫૦ વિકેટની સિદ્ધિ મેળવવાની સાથે. 

indian premier league IPL 2025 royal challengers bangalore rajasthan royals cricket news virat kohli sports news sports