એક મેદાન પર સૌથી વધુ T20 ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ કર્યો કિંગ કોહલીએ

26 April, 2025 01:42 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

એક સ્ટેડિયમમાં ૩૫૦૦ T20 રન કરનાર પહેલો ક્રિકેટર બન્યો

વિરાટ કોહલી

ગુરુવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનાે સ્ટાર બૅટર વિરાટ કોહલી આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૨ બૉલમાં ૭૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેના યોગદાનના આધારે બૅન્ગલોરે રાજસ્થાન રૉયલ્સ સામે ૨૦૧૫ બાદ પહેલી વાર ૨૦૦ રનનો સ્કોર કરીને એની સામેનો હાઇએસ્ટ ૨૦૫ રનનો ટોટલ ખડકી દીધો હતો.

વિરાટે પોતાની આ શાનદાર ઇનિંગ્સની મદદથી ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા. તેણે એક વેન્યુ પર સૌથી વધુ ૨૬ T20 ફિફ્ટી ફટકારીને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલેક્સ હેલ્સનો નૉટિંગહૅમ ખાતે ફટકારેલી પચીસ ફિફ્ટીનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૩૫૦૦ T20 રન પણ પૂરા કર્યા હતા. તે આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે. T20માં ૧૧૧મી વાર ૫૦+ રનનો સ્કોર કરીને તેણે વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ (૧૧૦ વખત)નો રેકૉર્ડ તોડ્યો હતો. હવે તે આ ફૉર્મેટમાં સૌથી વધુ ૫૦+ રનના સ્કોરના રેકૉર્ડ-લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર (૧૧૭ વખત) બાદ બીજા ક્રમે છે.

 વિરાટ કોહલીએ T20 ઇન્ટરનૅશનલમાંથી વહેલી નિવૃત્તિ લઈ લીધી. તે ૨૦૨૬ સુધી સહેલાઈથી રમી શક્યો હોત 
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના

 IPL ક્રિકેટ મૅચ રમવા માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ શ્રેષ્ઠ છે. ફૅન્સે અહીં સારા અને ખરાબ સમયમાં અમારો સાથ આપ્યો છે 
- બૅન્ગલોરનો સ્ટાર બૅટર વિરાટ કોહલી 

virat kohli indian premier league IPL 2025 royal challengers bangalore m. chinnaswamy stadium chennai t20 cricket news sports news sports