ભારતની ધરતી પર કિંગ કોહલીના T20માં રેકૉર્ડ ૧૦ હજાર રન

26 April, 2026 09:09 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

IPLમાં હવે વિરાટના ૮૯૮૯ રન, નવ હજારના આંકડાએ પહોંચવા ૧૧ રનની જરૂર

બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ પર્ફોર્મર ઑફ ધ મૅચ તરીકે ૪૩ ઇંચનું ટીવી જીત્યો હતો વિરાટ કોહલી.

૩૭ વર્ષના વિરાટ કોહલીએ શુક્રવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની વર્તમાન સીઝનની અંતિમ લીગ મૅચ દરમ્યાન મોટા કીર્તિમાન રચ્યા હતા. વિરાટ કોહલી ભારતની ધરતી પર ૧૦ હજાર T20 રન ફટકારનાર પહેલો ખેલાડી બન્યો છે. એક દેશમાં બૅટર દ્વારા ૧૦ હજાર T20 રન કરવાનો આ પહેલવહેલો કિસ્સો પણ છે. ભારતની બહાર ઇંગ્લૅન્ડમાં જેમ્સ વિન્સ ૨૫૬ T20 મૅચમાં ૭૪૯૨ રન કરી ચૂક્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના આ અનુભવી ખેલાડીને ૧૦ હજાર રન સુધી પહોંચવા ૪૯ રનની જરૂર હતી. તેણે બૅટિંગમાં દસમી ઓવર દરમ્યાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. વિરાટ આ મૅચમાં ૧૮૪.૦૯ના સ્ટ્રાઇક-રેટથી ૮ ફોર અને ચાર સિક્સ ફટકારીને ૪૪ બૉલમાં ૮૧ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. IPLમાં બૅન્ગલોર માટે વીસમી વખત તે આ અવૉર્ડ જીત્યો હતો.

ભારતની ધરતી પર ભારતીય ટીમ માટે તેણે ૪૬ મૅચમાં ૧૫૭૭ રન કર્યા છે. દિલ્હી માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પાંચ T20 મૅચમાં તેણે ૧૭૯ કર્યા હતા. બૅન્ગલોર માટે ચૅમ્પિયન T20 લીગની ૧૦ મૅચમાં ૩૧૧ રન કર્યા હતા અને IPLની ૨૩૦ મૅચમાં તેણે ૭૯૩૩ જેટલા રન કર્યા છે. વિરાટે ભારતમાં ૨૯૧ મૅચમાં ૧૦ હજાર રનની સિદ્ધિ મેળવી છે. ભારતમાં સૌથી વધુ T20 રન કરવા મામલે રોહિત શર્મા ૩૧૯ મૅચમાં ૮૫૬૩ રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. IPLના હાઇએસ્ટ રન-સ્કોરર વિરાટ કોહલીએ હવે આ ટુર્નામેન્ટમાં ૨૭૪ મૅચમાં ૮૯૮૯ રન કર્યા છે. નવ હજાર રનના આંકડા સુધી પહોંચવા તેને ૧૧ રનની જરૂર છે. તેના સિવાય કોઈ ખેલાડી IPLમાં ૭૫૦૦ રનનો આંકડો પણ વટાવી શક્યો નથી. રોહિત શર્મા ૨૭૬ મૅચમાં ૭૧૮૩ રન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

એક IPL ટીમ માટે ૩૦૦ સિક્સ ફટકારનાર પહેલો બૅટર, ૮૦૦ ફોર પણ માર્યા

500 T20 મૅચ રમનાર વિશ્વનો દસમો ખેલાડી બન્યો જૉસ બટલર. 

વિરાટે બૅન્ગલોર માટે આ ટુર્નામેન્ટમાં હવે ૩૦૩ સિક્સ ફટકારી છે. IPLમાં હાઇએસ્ટ સિક્સ ફટકારવા મામલે ક્રિસ ગેઇલ (૩૫૭ સિક્સ) અને રોહિત શર્મા (૩૧૦ સિક્સ) બાદ તે ત્રીજા ક્રમે છે. જોકે માત્ર એક IPL ટીમ માટે ૩૦૦ સિક્સ ફટકારનાર તે પહેલો બૅટર છે. ક્રિસ ગેઇલ ચાર ટીમો માટે અને રોહિત શર્મા બે ટીમો માટે રમી ચૂક્યો છે. વિરાટ કોહલીએ IPLમાં હવે ૮૦૭ ફોર નોંધાવ્યા છે. શિખર ધવન આ લિસ્ટમાં ૭૬૮ ફોર સાથે બીજા ક્રમે છે. 

IPL 2026 cricket news virat kohli royal challengers bangalore m chinnaswamy stadium gujarat titans sports news sports