14 October, 2025 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
IPL 2025ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB)ના સ્ટાર અને અનુભવી ક્રિકેટર વિરાટ કોહલી અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર ૩૬ વર્ષના વિરાટ કોહલીએ RCB સાથેનો પોતાનો કમર્શિયલ કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવાનો ઇનકાર કર્યો છે. આ અહેવાલથી ફૅન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે વિરાટ કોહલી કદાચ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પણ નિવૃત્તિ લઈ લેશે.
ઑક્શન પછી ક્રિકેટરનો IPL ટીમ સાથેનો કૉન્ટ્રૅક્ટ એક વર્ષનો હોય છે, પરંતુ ટીમ વાટાઘાટો દ્વારા અને કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરીને આગામી વર્ષો માટે તે પ્લેયરને જાળવી શકે છે. જોકે ટીમના ઘણા પ્લેયર્સનો ટીમ સાથે પ્લેઇંગ કૉન્ટ્રૅક્ટની સાથે કમર્શિયલ કૉન્ટ્રૅક્ટ પણ હોય છે. કમર્શિયલ કૉન્ટ્રૅક્ટમાં ટીમના સ્પૉન્સર સંબંધિત જવાબદારીઓ, પ્રમોશનલ શૂટ કે ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અહેવાલ અનુસાર વિરાટ કોહલી ઇચ્છે છે કે હવે ટીમના યંગસ્ટર્સ RCBનો ચહેરો બને.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર આકાશ ચોપડાએ પણ પોતાની યુટ્યુબ ચૅનલ પર આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘તેણે કમર્શિયલ કૉન્ટ્રૅક્ટનો ઇનકાર કર્યો હોવાના અહેવાલ છે, પરંતુ એનો અર્થ શું છે? તે ચોક્કસપણે RCB માટે રમશે. જો તે IPL રમી રહ્યો છે તો તે ચોક્કસપણે એ જ ફ્રૅન્ચાઇઝી માટે રમશે. કમર્શિયલ કૉન્ટ્રૅક્ટ એ પ્લેઇંગ કૉન્ટ્રૅક્ટનો વધારાનો કૉન્ટ્રૅક્ટ છે. તેની પાસે બેવડા કૉન્ટ્રૅક્ટ હોઈ શકે છે.’