12 January, 2026 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચમાં જેમિમા રૉડ્રિગ્સે પોતાના પાલતુ ડૉગ જેડના ચિત્રવાળાં રંગીન શૂઝ પહેર્યાં હતાં
ભારતીય મહિલા ટીમની સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પોતાની શાનદાર સદી વિશે રસપ્રદ ખુલાસો કર્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની એ સેમી-ફાઇનલ મૅચમાં મૅચવિનિંગ ઇનિંગ્સ રમવા દરમ્યાન જેમિમાએ વિરાટ કોહલી સાથેની પોતાની જૂની વાતચીત યાદ કરી હતી.
જેમિમા રૉડ્રિગ્સે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘મેં એક વાર વિરાટ કોહલીને તેની મેલબર્નની પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મૅચની ઇનિંગ્સ વિશે પૂછ્યું હતું, કારણ કે એ ઇનિંગ્સ કંઈક અલગ હતી, એ એક જબરદસ્ત ઇનિંગ્સ હતી. મેં તેને પૂછ્યું કે તારા મનમાં શું ચાલી રહ્યું હતું? વિરાટે મને કહ્યું કે જો હું એ ઇનિંગ્સનો શ્રેય લેવા માગું તો પણ હું નહીં લઈ શકું, જો મને એ ઇનિંગ્સનું પુનરાવર્તન કરવાનું કહેવામાં આવશે તો પણ હું નહીં કરી શકું, હું ફક્ત આભારી છું કે ભગવાને મને એ ક્ષણે ભારતને જીતવામાં મદદ કરવા માટે પસંદ કર્યો.’
જેમિમાએ વધુમાં કહ્યું હતું કે ‘મારી વર્લ્ડ કપ સેમી-ફાઇનલ મૅચમાં મને એ વાતચીત યાદ આવી રહી હતી, કારણ કે મેં મારી પ્રૅક્ટિસમાં કંઈ બદલાવ્યું નહોતું. મારી તૈયારી અગાઉ જેવી જ હતી. મને પણ ટીમ માટે, એ ક્ષણ માટે શાનદાર ઇનિંગ્સ રમવા માટે પસંદ કરવામાં આવી હતી. મને લાગે છે કે એ મારા માટે એ એક એવી ક્ષણ હતી જ્યાં હું શ્રેય લઈ શકતી નથી.’