કૃણાલ પંડ્યા પૉઝિટિવ, બીજી ટી૨૦ પોસ્ટપોન્ડ

28 July, 2021 02:37 PM IST  |  Mumbai | Agency

બાકીના ખેલાડીઓની ટેસ્ટ નેગેટિવ આવશે તો કદાચ આજે બીજી ટી૨૦ રમાશે, ત્રીજી અને છેલ્લી મૅચ આવતી કાલે

કૃણાલ પંડ્યા

ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ગઈ કાલે ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી૨૦ મૅચ પોસ્ટપોન્ટ કરવામાં આવી હતી. જો બાકીના ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવશે તો કદાચ બીજી ટી૨૦ આજે સાંજે રમાશે. ત્રીજી અને છેલ્લી મૅચ આવતી કાલે રમાશે. આમ બન્ને ટીમે સતત બે દિવસ બે મૅચ રમવી પડશે. 
કૃણાલ પંડ્યા હવે સાત દિવસના આઇસોલેશનને લીધે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઉપરાંત તે હવે ટીમ સાથે ૩૦મી ભારત પણ પાછો નહીં ફરી શકે. તેણે હવે ફરજીયાત આઇસોલેશનમાં રહેવું પડશે અને ભારત પાછા ફરવા માટે નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ મેળવવો પડશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે મેડિકલ ટીમે તપાસમાં આઠેક જણને તારવ્યા છે જેઓ કૃણાલ સાથે સંપર્કમાં આવ્યા હતા. કોરોનાએ બીજા કેટલા ખેલાડીઓને ઝપેટમાં લીધા છે એ જાણવામાં બધા ખેલાડીઓની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી. ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી બધા ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.  
બન્ને ટીમે બીજી ટી૨૦ આજે રમવાની આશા વ્યક્ત કરી હતી. ત્રીજી અને છેલ્લી ટી૨૦ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી અને હાલ તો શેડ્યુલ પ્રમાણે આવતી કાલે રમાશે.
આ સિરીઝની શરૂઆતમાં કોરોના નડ્યો હતો અને એ એક અઠવાડિયું મોડી શરૂ કરવી પડી હતી. 
રવિવારે રમાયેલી પહેલી ટી૨૦ ભારતીય ટીમે ૩૮ રનથી જીતીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી લીડ લઈ લીધી છે.

પૃથ્વી-સૂર્યકુમારનું શું થશે?
ભારતીય ટીમમાં કોરોનાના પ્રવેશને લીધે ઇંગ્લૅન્ડની સિરીઝ માટે રિપ્લેસમેન્ટ તરીકે જાહેર થયેલા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લૅન્ડ રવાના થવાના પ્લાન સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃણાલના સંપર્કમાં આવેલા ૮ ખેલાડીઓમાં આ બન્નેનો સમાવેશ છે કે નહીં એ જાણી નહોતું શકાયું. જો વધુ ખેલાડીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તો કદાચ તેમનું હાલમાં તો ઇંગ્લૅન્ડ જવાનું મુશ્કેલ બની જશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે ઇન્જર્ડ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને પેસ બોલર અવેશ ખાનના સ્થાને પૃથ્વી અને સૂર્યકુમારને મોકલવાનો નિર્ણય લીધો હતો. 

cricket news sports news sports coronavirus covid19 krunal pandya