07 May, 2026 03:09 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર રિષભ પંત
લખનઉના એકાના સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૫૦મી મૅચ રમાશે. ગઈ સીઝનની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને આજે સ્ટ્રગલ કરી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવીને પૉઇન્ટ-ટેબલ પર ટૉપ-ટૂમાં સ્થાન વધુ મજબૂત કરવાનો મોકો છે. છેલ્લી મૅચમાં ગુજરાત સામે બૅન્ગલોરના બળિયા બૅટરો માત્ર ૧૫૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા અને ૪ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં તેઓ પહેલી વાર ઑલઆઉટ થયા હતા. આજે બૅટરોને તળિયાની ટીમ સામે ફરી લય મેળવીને મેદાન ગજવવાની અમૂલ્ય તક છે. લખનઉ છેલ્લી ૬ મૅચમાં હારીને પૉઇન્ટ-ટેબલમાં સૌથી છેલ્લા ૧૦મા ક્રમાંકે છે. તેઓ બાકીની પાંચેય મૅચ જીતે તો પણ તેમના નબળા રનરેટને લીધે પ્લે-ઑફ માટેના દરવાજા ઑલમોસ્ટ બંધ થઈ ગયા છે. છેલ્લે મુંબઈ સામે નિકોલસ પૂરને ફૉર્મ બતાવતાં તેમના માટે થોડાક રાહતના સમાચાર છે. પૂરનની ૨૧ બૉલમાં ૬૩ રનની આક્રમક ઇનિંગ્સના જોરે લખનઉ મુંબઈ સામે ૨૨૮ રનનો સ્કોર બનાવી શક્યું હતું. તેમના માટે હજુ પણ કૅપ્ટન રિષભ પંત અને વાઇસ-કૅપ્ટન એેઇડન માર્કરમનું શાંત બૅટ ચિંતાનો વિષય છે. લખનઉની આ હાલત માટે તેમના બૅટરો જ જવાબદાર છે, એમનો એક પણ બૅટર ટૉપ-૨૦માં સામેલ નથી. ૨૨૬ રન સાથે મિચલ માર્શ ૨૪મા ક્રમાંકે છે. લખનઉની ટીમનો આ સીઝનનો સ્ટાર-પફોર઼્ર્ર્મર પ્રિન્સ યાદવ છે. તે કુલ ૧૩ વિકેટ સાથે આ સીઝનના ટૉપ વિકેટ-ટેકરોમાં છઠ્ઠા નંબરે છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
બૅન્ગલોર માટે આ સીઝનના સ્ટાર છે ૩૬ વર્ષનો ભુવનેશ્વર કુમાર અને ૩૭ વર્ષનો વિરાટ કોહલી. હાઇએસ્ટ ૧૭ વિકેટ સાથે પર્પલ કૅપ ધારણ કરી છે ભુવીએ જ્યારે વિરાટના ૩૭૯ રન બૅન્ગલોર વતી હાઇએસ્ટ અને ઓવરઑલ આઠમા ક્રમાકે છે.
દરેક ટીમ એના હોમ-ગ્રાઉન્ડમાં શાનદાર પર્ફોર્મ કરતી હોય છે પણ લખનઉએ ઘરઆંગણે છેલ્લી સાતમાંથી પાંચ મૅચમાં હાર જોઈ છે. આ સીઝનમાં ઘરઆંગણે અત્યાર સુધીની ચારેય મૅચમાં હાર જ જોવી પડી છે. આ સીઝનમાં બન્ને ટીમો વચ્ચેની પ્રથમ ટક્કરમાં બૅન્ગલોરે લખનઉને પાંચ વિકેટે પરાજિત કરી હતી.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૭ |
|
બૅન્ગલોરની જીત |
૫ |
|
લખનઉની જીત |
૨ |
માઇલસ્ટોન મીટર
મિચલ માર્શને T20 ક્રિકેટમાં ૫૦૦ ફોર માટે બે ફોરની જરૂરત છે
નિકોસલ પૂરનની આ ૧૦૦મી લૅન્ડમાર્ક IPL મૅચ છે.
એઇડન માર્કરમને T20 ક્રિકેટમાં ૬૦૦૦ રન પૂરા કરવા ૧૮ રનની જરૂર છે