14 May, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માઇક હેસન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ન્યુ ઝીલૅન્ડમાં જન્મેલા ૫૦ વર્ષના માઇક હેસનને પોતાની લિમિટેડ ઓવર્સની ક્રિકેટ ટીમનો હેડ કોચ નિયુક્ત કર્યો છે. એના કરાર વિશે કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી નથી, પણ અહેવાલ અનુસાર તે બે વર્ષ સુધી પાકિસ્તાનની T20 અને વન-ડે ટીમને કોચિંગ આપશે. તે આકિબ જાવેદનું સ્થાન લેશે જે ગૅરી કર્સ્ટનના બે વર્ષના કરારના છ મહિના પછી અચાનક રાજીનામું આપ્યા બાદ પાંચ મહિના માટે વચગાળાનો હેડ કોચ હતો. આકિબ જાવેદ સિલેક્ટરની સાથે હવે હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટરનું પદ પણ સંભાળશે.
માઇક હેસન કોઈ પ્રોફેશનલ ક્રિકેટર રહ્યો નથી. બાવીસ વર્ષની ઉંમરથી જ તે એક પ્રખ્યાત ક્રિકેટ કોચ છે. તેણે આર્જેન્ટિના, કેન્યા અને ઓટાગો સહિત અનેક ટીમોને કોચિંગ આપ્યું છે. ૨૦૧૨થી ૨૦૧૮ દરમ્યાન હેડ કોચ તરીકે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટના ઉદયમાં મુખ્ય ભૂમિકા ભજવીને તેણે કિવીઓને પહેલી વાર ૨૦૧૫માં ક્રિકેટ વર્લ્ડ કપમાં એન્ટ્રી અપાવી હતી. પંજાબ કિંગ્સના હેડ કોચ રહેવાની સાથે તેણે ૨૦૧૯થી ૨૦૨૩ દરમ્યાન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુમાં ક્રિકેટ ઑપરેશન્સ ડિરેક્ટરનું પદ પણ સંભાળ્યું છે. પાકિસ્તાન સુપર લીગમાં હાલમાં ઇસ્લામાબાદ યુનાઇટેડને કોચિંગ આપી રહેલો આ કોચ ૨૬ મેથી પાકિસ્તાની ટીમ સાથે જોડાશે.