19 October, 2024 08:34 AM IST | Multan | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મૅચ જીતી ગયા બાદ ખુશખુશાલ શાન મસૂદ અને પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાન અને કૅપ્ટન શાન મસૂદને આખરે જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. મુલતાનમાં ગઈ કાલે બીજી ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાને સ્પિન જોડી સાજિદ ખાન અને નોમાન અલીના ઐતિહાસિક પરાક્રમના જોરે ઇંગ્લૅન્ડને ૧૫૨ રનથી પરાસ્ત કરી દીધું છે. ૨૯૭ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ બે વિકેટે ૩૬ રનથી આગળ રમતાં નોમાન અલી (૪૬ રનમાં ૮) અને સાજિદ ખાન (૯૩ રનના બે વિકેટ) સામે ફસડાઈ પડ્યું હતું અને ૧૪૪ રનમાં જ પૅવિલિયન ભેગું થઈ ગયું હતું. ૧૫૨ રનની જીત સાથે પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. પાકિસ્તાન પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને ૪૭ રનથી હારી ગયું હતું. હવે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ ગુરુવારથી કરાચીમાં રમાશે. મૅચમાં કુલ ૯ વિકેટ લેનાર સાજિદ ખાન મૅન ઑફ ધ મૅચ જાહેર થયો છે.
સતત હાર અને પ્રથમ ટેસ્ટમાં નામોશીભર્યા પરાજય બાદ પાકિસ્તાનના ટીમ-મૅનેજમેન્ટ દ્વારા આકરા નિર્ણય લેતાં સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિકી, નસીમ શાહ અને સરફરાઝ અહમદને છૂટા કરીને કામરાન ગુલામ, સાજિદ ખાન, નોમાન અલી વગેરેને મોકો આપીને જુગટું રમવામાં આવ્યું હતું જે આખરે સફળ થયું હતું અને તક મળતાં જ ખેલાડીઓએ કમાલ કરી દેખાડી હતી.
ઘરઆંગણે ૧૩૩૮ દિવસ બાદ ટેસ્ટમાં જીત
પાકિસ્તાની કૅપ્ટન શાન મસૂદે ગયા વર્ષે ટેસ્ટ-ટીમના કૅપ્ટન બાદ પ્રથમ છ ટેસ્ટ-મૅચ હારીને નામોશીભર્યો રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો પણ આખરે સાતમી મૅચમાં તેનું નસીબ બદલાયું અને ટેસ્ટ-કૅપ્ટન તરીકે પ્રથમ જીત નોંધાવી છે. પાકિસ્તાની ટીમ પણ સતત ૧૧ ટેસ્ટમાં જીતી નહોતી શકી. આ ૧૧ ટેસ્ટમાં સાતમા હાર મળી છે અને ચાર ડ્રૉ રહી છે પણ ગઈ કાલે કૅપ્ટન અને ટીમના નસીબમાં ટર્ન આવ્યો હતો અને પાકિસ્તાની ટીમે ઘરઆંગણે ૧૨મી ટેસ્ટમાં અને ૧૩૩૮ દિવસ બાદ જીત મેળવી હતી. પાકિસ્તાન ઘરઆંગણે ટેસ્ટમાં છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૧માં સાઉથ આફ્રિકા સામે જીત્યું હતું.
૩૮ વર્ષ ૮ દિવસ
ગઈ કાલે નોમાન અલીએ આ ઉંમરે એક ઇનિંગ્સમાં ૮ વિકેટ ઝડપી હતી. આવી કમાલ કરનાર તે શ્રીલંકન સ્પિનર રંગના હૅરથ (૩૮ વર્ષ ૨૩૨ દિવસ) બાદ બીજો ઓલ્ડેસ્ટ બોલર બની ગયો છે.
11
મૅચની ચોથી ઇનિંગ્સમાં બે જ બોલરોએ એકધારી બોલિંગ કરીને હરીફોને આઉટ કરી દીધા હોય એવું ટેસ્ટ-ક્રિકેટમાં આટલામી વાર બન્યું છે. ૨૦૨૨માં બંગલાદેશ સામે સાઉથ આફ્રિકન જોડી કેશવ મહારાજ (૧૨ ઓવરમાં ૪૦ રનમાં સાત) અને સિમોન હાર્મર (૧૧.૩ ઓવરમાં ૩૪ રનમાં ૩ વિકેટ)ના પરાક્રમ બાદ પ્રથમ વાર જોવા મળ્યું છે.
3
પાકિસ્તાની સ્પિનરોએ બધી જ ૨૦ વિકેટ લીધી હોય એવું આટલામી વાર જોવા મળ્યું છે. આ પહેલાં ૧૯૮૦માં વેસ્ટ ઇન્ડિઝ સામે અને ૧૯૮૭માં ઇંગ્લૅન્ડ સામે આવું જોવા મળ્યું હતું.
બે બોલરોએ લીધી ૨૦ વિકેટ, ટેસ્ટમાં સાતમી વાર
એક ટેસ્ટમાં હરીફ ટીમના બધા જ બૅટરોને બે જ બોલરોએ આઉટ કર્યા હોય એવી મુલતાનની ઘટના એ ટેસ્ટ-ક્રિકેટમાં બાવન વર્ષ બાદ અને કુલ સાતમી વાર જોવા મળી છે. પાકિસ્તાન
બોલરોએ બીજી વાર આ કમાલ કરી છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના બોલરોએ બે-બે વાર અને સાઉથ આફ્રિકાના બોલરોએ એક વાર આવી કમાલ કરી છે. આવું પરાક્રમ સૌથી વધુ ચાર વાર ઇંગ્લૅન્ડ અને ત્રણ વાર ઑસ્ટ્રેલિયા સામે જોવા મળ્યું છે.
આવી કમાલ કરનાર જોડીઓ પર એક નજર
બોલિંગ જોડી | દેશ | વિરુદ્ધ | વિકેટો લીધી | સ્થળ | વર્ષ |
મોન્ટી નોબલ/હ્યુજ ટ્રમ્બલ | ઑસ્ટ્રેલિયા | ઇંગ્લૅન્ડ | ૧૩ અને ૭ | મૅલબર્ન | ૧૯૦૨ |
કોલિન બ્લૅથ/જ્યૉર્જ હર્સ્ટ | ઇંગ્લૅન્ડ | ઑસ્ટ્રેલિયા | ૧૧ અને ૯ | બર્મિંગહૅમ | ૧૯૦૯ |
બર્ટ વોગ્લર / અબ્રે ફૉકનર | સાઉથ આફ્રિકા | ઇંગ્લૅન્ડ | ૧૨ અને ૯ | જૉહનિસબર્ગ | ૧૯૧૦ |
જિમ લૅકર / ટૉની લૉક | ઇંગ્લૅન્ડ | ઑસ્ટ્રેલિયા | ૧૯ અને ૧ | ઑસ્ટ્રેલિયા | ૧૯૫૬ |
ફઝલ મહમૂદ/ખાન મોહમ્મદ | પાકિસ્તાન | ઑસ્ટ્રેલિયા | ૧૩ અને ૭ | ઑસ્ટ્રેલિયા | ૧૯૫૬ |
બોબ મૅસી / ડેનિસ લીલી | ઑસ્ટ્રેલિયા | ઇંગ્લૅન્ડ | ૧૬ અને ૪ | લૉર્ડ્સ | ૧૯૭૨ |
સાજિદ ખાન / નોમાન અલી | પાકિસ્તાન | ઇંગ્લૅન્ડ | ૯ અને ૧૧ | મુલતાન | ૨૦૨૪ |