પાકિસ્તાને ફાસ્ટ બોલરને એકેય ઓવર ન આપી, સ્પિનરોએ જ વીંટો વાળી દીધો

25 October, 2024 09:33 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડને ૨૬૭ રનમાં ઑલઆઉટ કર્યા બાદ પાકિસ્તાને ૭૩ રનમાં ત્રણ વિકેટ ગુમાવી

સ્પિનરો સાજિદ ખાને ૧૨૮ રનમાં છ વિકેટ અને નોમાન અલીએ ૮૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

રાવલપિંડીમાં ગઈ કાલે ત્રણ મૅચની સિરીઝની નિર્ણાયક ટેસ્ટનો પહેલો દિવસ રસાકસીવાળો રહ્યો હતો. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલી બૅટિંગ પસંદ કરતાં પાકિસ્તાની સ્પિનર્સના આક્રમણ સામે ૬૮.૨ ઓવરમાં માત્ર ૨૬૭ રન બનાવી શક્યું હતું. જવાબમાં દિવસના અંત સુધીમાં પાકિસ્તાની ટીમે ૨૩ ઓવરમાં ૭૩ રન બનાવીને ત્રણ વિકેટ ગુમાવી હતી. દિવસની રમતના અંતે કૅપ્ટન શાન મસૂદ અને સઉદ શકીલ બન્ને ૧૬-૧૬ રન સાથે રમી રહ્યા છે. મહેમાન ટીમ હજી આ મૅચમાં ૧૯૪ રનની લીડ લઈને બેઠી છે.

સ્પિનર-ફ્રેન્ડ્લી આ પિચ પર ઇંગ્લૅન્ડે ૩૨.૧ ઓવરમાં ૧૧૮ના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી હતી ત્યાંથી વિકેટકીપર જૅમી સ્મિથે (૮૯ રન) ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સન (૩૯ રન) સાથે મળીને સાતમી વિકેટ માટે ૧૦૫ રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડની લાજ બચાવી હતી. પાકિસ્તાન માટે ઑફ-સ્પિનર સાજિદ ખાને ૧૨૮ રનમાં છ વિકેટ, જ્યારે ડાબોડી સ્પિનર નોમાન અલીએ ૮૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. લેગ સ્પિનર ઝાહિદ મહમૂદે ૧૦ ઓવરમાં ૪૪ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન ક્રિકેટમાં પહેલી વાર અને ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસમાં ચોથી વાર કોઈ ટીમે ઇનિંગ્સની શરૂઆત સ્પિનર્સ પાસે કરાવી હોય. આ પહેલાં ભારતે ૧૯૬૪માં ઇંગ્લૅન્ડ સામે જ્યારે બંગલાદેશે ૨૦૧૮ અને ૨૦૧૯માં અનુક્રમે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે બે સ્પિનર્સ પાસે ટેસ્ટ-ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી. ગઈ કાલે એક પણ પાકિસ્તાની ફાસ્ટ બોલરે ઓવર ફેંકી નહોતી. પાકિસ્તાન ક્રિકેટમાં પહેલી વાર અને ઓવરઑલ બીજી વાર આવી ઘટના બની છે કે ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં કોઈ ફાસ્ટ બોલરે ઓવર ન કરી હોય. આ પહેલાં ૧૮૮૨માં ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ પહેલી ઇનિંગ્સમાં માત્ર સ્પિનર્સનો ઉપયોગ કર્યો હતો.

pakistan england rawalpindi sajid khan test cricket cricket news sports news sports