07 April, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિનેશ કાર્તિકે ડ્રિન્ક્સ-બ્રેક દરમ્યાન મેદાન પર જ ૩ અમ્પાયર્સને ખખડાવી નાખ્યા
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની રવિવારની મૅચ દરમ્યાન મેદાન પર એક રમૂજી ઘટના બની હતી. બૅન્ગલોરની બૅટિંગ દરમ્યાન ડ્રિન્ક્સ-બ્રેક દરમ્યાન ટીમનો મેન્ટર દિનેશ કાર્તિક અને હેડ કોચ ઍન્ડી ફ્લાવર બૅટિંગ કરી રહેલા રજત પાટીદાર સાથે વાત કરવા મેદાન પર આવ્યા હતા. આ દરમ્યાન મેદાન પર હાજર ૩ અમ્પાયર્સ બૅન્ગલોરની ટીમના ડ્રિન્ક્સમાંથી બૉટલ લઈને પીતા જોવા મળ્યા હતા. આ વાતની જાણકારી કૅપ્ટન રજત પાટીદારે મેન્ટર અને હેડ કોચને આપી હતી. ત્યાર બાદ દિનેશ કાર્તિકે અમ્પાયર્સ પાસે જઈને બૅન્ગલોરના પ્લેયર્સ માટે બનેલા ડ્રિન્ક્સને પી રહેલા અમ્પાયર્સને ખખડાવી દીધા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ IPL 2025 બાદ 2026માં પણ હાલમાં તળિયાની ટીમ છે. આ ટીમે રવિવારે બૅન્ગલોર સામેની મૅચ દરમ્યાન IPL ઇતિહાસમાં પહેલી વખત ૨૫૦ રન આપી દીધા હતા. અગાઉ આ ટીમે ૨૦૧૪માં પંજાબ સામે, ૨૦૨૪માં ગુજરાત સામે હાઇએસ્ટ ૨૩૧ રન આપ્યા હતા. ચેન્નઈ માટે ૨૦૨૫ સહિત ૮ સીઝન રમનાર ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન આ ટીમ માટે ભાવુક થયો હતો અને કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘આજે હું થોડો નિરાશ છું. મને ચેન્નઈ પાસે ઘણી અપેક્ષાઓ હતી. મેં નિવૃત્તિ લઈને ચેન્નઈનો માથાનો દુખાવો દૂર કર્યો હતો, જેથી તેઓ મને રિલીઝ કરવો કે જાળવી રાખવાનો નિર્ણય લેવામાં સમય ન બગાડે અને મારી નિવૃત્તિને કારણે બચેલા ૧૦ કરોડ રૂપિયામાંથી સારા ખેલાડીઓને ખરીદીને ટીમને મજબૂત કરી શકે.’ ૩૯ વર્ષના અશ્વિને વધુમાં કહ્યું હતું કે ‘મેં ચેન્નઈ સામે છેલ્લી નિરાશાજનક સીઝન સહન કરી હતી. વ્યક્તિગત રીતે એ મારા માટે પણ નિરાશાજનક હતું. હું બીજી સીઝન રમી શક્યો હોત, પરંતુ એ માટે હિંમત નહોતી. એ સીઝન માનસિક રીતે થકવી દેનારી અને ખૂબ પીડાદાયક હતી. હું એ તબક્કામાં પાછો જવા માગતો નહોતો.’ અશ્વિને છેલ્લી સીઝનમાં ચેન્નઈ માટે ૯ મૅચમાં ૯.૧૨ના ઇકૉનૉમી-રેટથી માત્ર ૭ વિકેટ લીધી હતી.