સેમી-ફાઇનલમાં કર્ણાટક અને સૌરાષ્ટ્રની ટીમે એન્ટ્રી કરી

13 January, 2026 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ, ઉત્તર પ્રદેશ વિજય હઝારે ટ્રોફીની રેસમાંથી થયા આઉટ, સેમી-ફાઇનલમાં કર્ણાટક અને સૌરાષ્ટ્રની ટીમે એન્ટ્રી કરી, બૅન્ગલોર ખાતે ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે મૅચ પૂરી ન થઈ શકી

વિજય હઝારે ટ્રોફી (સૌજન્ય: વીકિપીડિયા)

વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-’૨૬ની પહેલી બે ક્વૉર્ટર ફાઇનલ મૅચના રોમાંચ પર અંતિમ ઓવર્સ દરમ્યાન પાણી ફરી વળ્યું હતું. ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં વપરાતી VJD મેથડ અનુસાર ડિફેન્ડિંગ ચૅમ્પિયન કર્ણાટક પંચાવન રને મુંબઈ સામે અને સૌરાષ્ટ્ર ૧૭ રને ઉત્તર પ્રદેશ સામે જીત્યું હતું. બૅન્ગલોર સ્થિત ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં બન્ને મૅચની બીજી ઇનિંગ્સની અંતિમ ઓવર્સ દરમ્યાન ખરાબ પ્રકાશ અને વરસાદનું વિઘ્ન નડ્યું હતું. 
સ્ટાર પ્લેયર્સની ગેરહાજરીમાં મુંબઈએ સિદ્ધેશ લાડના નેતૃત્વ હેઠળ ૫૦ ઓવર્સમાં ૨૫૪/૮નો સ્કોર કર્યો હતો. છઠ્ઠા ક્રમે રમીને શમ્સ મુલાનીએ ૯૧ બૉલમાં ૮ ફોરની મદદથી ૮૬ રન કર્યા હતા. જવાબમાં રન-ચેઝ દરમ્યાન વરસાદી વિઘ્ન પહેલાં કર્ણાટકે ૩૩ ઓવરમાં ૧૮૭/૧નો સ્કોર કર્યો હતો. દેવદત્ત પડિક્કલે ૯૫ બૉલમાં ૮૧ રન અને કરુણ નાયરે ૮૦ બૉલમાં ૭૪ રન કર્યા હતા. અણનમ ઇનિંગ્સ રમનાર બન્ને પ્લેયર્સે ૧૧-૧૧ બાઉન્ડરી ફટકારી હતી. 
રિન્કુ સિંહના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશે ઓપનર અભિષેક ગૌસ્વામી અને સમીર રિઝવીના ૮૮-૮૮ રનની ઇનિંગ્સની મદદથી ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૦ રન કર્યા હતા. રન-ચેઝ દરમ્યાન સૌરાષ્ટ્ર માટે ઓપનર અને કૅપ્ટન હાર્વિક દેસાઈએ ૧૧૬ બૉલમાં ૮ ફોર અને બે સિક્સરની મદદથી ૧૦૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. મૅચ અટકી ત્યારે સૌરાષ્ટ્રે ૪૦.૧ ઓવરમાં ૨૩૮/૩નો સ્કોર કર્યો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં ઉત્તર પ્રદેશની ટીમ પહેલવહેલી મૅચ હારીને બહાર થઈ ગઈ છે.

આજની ક્વૉર્ટર ફાઇનલ મૅચ કઈ ટીમ વચ્ચે રમાશે? 
ત્રીજી મૅચ : પંજાબ VS મધ્ય પ્રદેશ
ચોથી મૅચ : દિલ્હી VS વિદર્ભ

vijay hazare trophy karnataka mumbai saurashtra uttar pradesh cricket news sports news sports