RCBએ રજત પાટીદારને બનાવ્યો કૅપ્ટન

15 February, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ૩૧ વર્ષના ટૉપ ઑર્ડર બૅટર રજત પાટીદારને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની કમાન સોંપવામાં આવી છે

RCB ટીમ મૅનેજમેન્ટે એક નાનકડી ઇવેન્ટમાં બ્લુ બ્લેઝર અને રેડ કૅપ આપીને રજત પાટીદારને કૅપ્ટન જાહેર કર્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ૩૧ વર્ષના ટૉપ ઑર્ડર બૅટર રજત પાટીદારને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની કમાન સોંપવામાં આવી છે. તે આ ટીમનો આઠમો કૅપ્ટન બન્યો છે. તેની પાસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T20) અને વિજય હઝારે ટ્રોફી (ODI)માં મધ્ય પ્રદેશનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. IPL 2021માં જોડાયેલા રજત પાટીદારને આ ફ્રૅન્ચાઇઝીએ મેગા ઑક્શન પહેલાં ૧૧ કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો.

સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં રજતે ૧૦ મૅચમાં ૧૮૬.૦૮ના સ્ટ્રાઇક-રેટથી ૪૨૮ રન ફટકારીને મધ્ય પ્રદેશને ફાઇનલમાં પહોંચાડ્યું હતું જ્યાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કરનાર આ પ્લેયરે એક વન-ડે મૅચમાં બાવીસ રન અને ત્રણ ટેસ્ટ-મૅચમાં ૬૩ રન બનાવ્યા છે. તેણે IPLમાં આ ફ્રૅન્ચાઇઝી માટે ૨૭ મૅચમાં એક સેન્ચુરી અને ૭ ફિફ્ટીની મદદથી ૭૯૯ રન બનાવ્યા છે. RCBના ફૅન્સ હવે તેની પાસે ટીમને પહેલી વાર ટ્રોફી જિતાડવાની આશા રાખી રહ્યા છે. સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીને દિલ્હી કૅપિટલ્સે ખરીદ્યો હોવાથી પાટીદારને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે.

RCBના કૅપ્ટન્સ

રાહુલ દ્રવિડ

૧૪ મૅચ

કેવિન પીટરસન

૦૬ મૅચ

અનિલ કુંબલે

૩૫ મૅચ

ડૅનિયલ વેટોરી

૨૮ મૅચ

શેન વૉટ્સન

૩ મૅચ

વિરાટ કોહલી

૧૪૩ મૅચ

ફાફ ડુ પ્લેસી

૪૨ મૅચ

 રજત, હું અને બાકીની ટીમ તારી સાથે છીએ. તારા પ્રદર્શનથી તેં RCB ફૅન્સનાં દિલમાં સ્થાન બનાવ્યું છે. તું એને (કૅપ્ટન્સી) લાયક છે.
- વિરાટ કોહલી

 વિરાટ કોહલીનો અનુભવ કૅપ્ટન તરીકેની ભૂમિકામાં મદદ કરશે.
- રજત પાટીદાર

 વિરાટ કોહલીને નેતૃત્વ કરવા માટે કૅપ્ટન્સીની જરૂર નથી.
- RCB ડિરેક્ટર મો બોબાટ

indian premier league royal challengers bangalore virat kohli faf du plessis vijay hazare trophy t20 rajat patidar cricket news sports news sports