16 October, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝારખંડના કૅપ્ટન ઈશાન કિશને ૧૮૩ બૉલમાં અણનમ ૧૨૫ રન ફટકાર્યા હતા
ગઈ કાલથી શરૂ થયેલી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં પહેલા દિવસે ઝારખંડ વતી રમતો કૅપ્ટન ઈશાન કિશન ૧૮૩ બૉલમાં અણનમ ૧૨૫ રન બનાવીને છવાઈ ગયો હતો અને સિલેક્ટરોનું ધ્યાન ખેચ્યું હતું,. કિશનની સેન્ચુરીને લીધે ઝારખંડે તામિલનાડુ સામે પ્રથમ દિવસે ૬ વિકેટે ૩૦૭ રન બનાવ્યા હતા.
બીજી તરફ મુંબઈ છોડીને મહારાષ્ટ્ર વતી રમવા ગયેલો પૃથ્વી શૉ પ્રથમ મૅચમાં કેરલા સામે ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. પ્રૅક્ટિસ-મૅચમાં સેન્ચુરી અને મુશીર ખાન સાથેના ઝઘડાને લીધે છવાઈ જનારો પૃથ્વી ચોથા જ બૉલે એલબીડબ્લ્યુ થઈ ગયો હતો. ત્યાર બાદ બીજા જ બૉલે સિદ્ધેશ વીર અને બીજી ઓવરના પહેલા બૉલે કૅપ્ટન અંકિત બાવને આઉટ થઈ જતાં મહારાષ્ટ્રનો સ્કોર એ સમયે શૂ્ન્ય પર ત્રણ વિકેટ થઈ ગયો હતો. ચોથી ઓવરમાં પૃથ્વીનો સાથી ઓપનર અર્શવીન કુલકર્ણી પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ત્યારે ટીમનો સ્કોર પાંચ રનમાં ચાર વિકેટ થઈ ગયો હતો. જોકે દિવસના અંતે તેમનો સ્કોર ૭ વિકેટે ૧૭૯ રન રહ્યો હતો.
મુંબઈએ જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે પહેલા દિવસે સિદ્ધેશ લાડની ૧૧૬ રનની ઇનિંગ્સના જોરે પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર શિવમ દુબે પીઠના દુખાવાને કારણે આ મૅચમાંથી હટી ગયો હતો.