22 December, 2024 08:55 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન રવીન્દ્ર જાડેજા
બૉર્ડર-ગાવસકર ટ્રોફી વચ્ચે ઑસ્ટ્રેલિયન મીડિયાનો વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં એક નાનકડી પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લોઅર ઑર્ડરની સાથે ટૉપ ઑર્ડર અને મિડલ ઑર્ડર પણ આગામી ટેસ્ટથી રન બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે માત્ર ભારતીય મીડિયાના સવાલના હિન્દીમાં જવાબ આપીને જતો રહ્યો હતો. ઑસ્ટ્રેલિયન મીડિયાએ તેને ઇંગ્લિશમાં જવાબ આપવાની વિનંતી કરી પણ જાડેજાએ તેમના તરફ ધ્યાન આપ્યું નહોતું. ભારતીય મીડિયા ટીમે તેમને કહ્યું હતું કે આ પ્રેસ-કૉન્ફરન્સ માત્ર આ ટેસ્ટ-સિરીઝ કવર કરવા આવેલા ભારતીય પત્રકારો માટે જ હતી.
પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર એક ભારતીય પત્રકાર અનુસાર ઑસ્ટ્રેલિયન મીડિયા હંમેશાં વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરતું રહે છે. આ પહેલાં મેલબર્ન ઍરપોર્ટ પર ઑસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલીની મનાઈ છતાં તેની પત્ની અને બાળકોના ફોટો-વિડિયો લેવાનો પ્રયત્ન કર્યો હતો.
પોતાના સાથી સ્પિનર આર. અશ્વિન વિશે શું બોલ્યો જાડેજા?
બ્રિસબેનમાં ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનના અચાનક નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે વાત કરતાં રવીન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે ‘મને તેની પ્રેસ-કૉન્ફરન્સની પાંચ મિનિટ પહેલાં જ આ વિશે ખબર પડી હતી. અમે આખો દિવસ સાથે રહ્યા પણ તેણે મને એક પણ સંકેત આપ્યો નહીં. મને છેલ્લી ઘડીએ ખબર પડી. આપણે બધા જાણીએ છીએ કે અશ્વિનનું મગજ કેવી રીતે કામ કરે છે. તે મેદાન પર મારા મેન્ટર જેવો હતો. અમે ઘણાં વર્ષોથી બોલિંગ પાર્ટનર તરીકે સાથે રમતા રહ્યા છીએ. અમે મેદાનમાં એકબીજાને બોલિંગ વિશે મેસેજ પહોંચાડતા હતા. હું તેને હંમેશાં યાદ કરીશ.’