05 March, 2026 02:22 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (KSCA)ના પ્રમુખ વેન્કટેશ પ્રસાદે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના તેમના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL માટે વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. ભારતના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે ‘આ મારા માટે એક મોટી સિદ્ધિ છે. આ લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે મારી પાંચ વિકેટ કરતાં પણ મોટી સિદ્ધિ છે. ૩ મહિનાથી ઓછા સમયમાં અમે જે હાંસલ કર્યું છે એ અમારી મૅનેજિંગ કમિટીના સમગ્ર ટીમના પ્રયાસનો પુરાવો છે.’ વેન્કટેશ પ્રસાદે વધુમાં કહ્યું હતું કે ‘નિષ્ણાત સમિતિ દ્વારા નિર્ધારિત સ્ટેડિયમના બાકીના સુધારાઓ સમયમર્યાદામાં પૂર્ણ થશે. RCB ટીમની ૧૫ માર્ચે અહીં સ્ટેડિયમમાં ભેગા થવાની ધારણા છે અને ટિકિટવાળી અનબૉક્સિંગ ઇવેન્ટ IPL ઓપનિંગના એક અઠવાડિયા પહેલાં ૨૧ કે ૨૨ માર્ચે યોજાશે.’ સ્ટેડિયમમાં ભીડ-નિયંત્રણ માટે તમામ ૧૩ ગેટને ૯ મીટર પહોળા કરવાનું સૂચન મળ્યું છે.
KSCAના સેક્રેટરી સંતોષ મેનને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે ‘RCBની ગર્જના ફરીથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુંજી ઊઠશે. ચાહકોના મનોરંજન માટે એક ઉદ્ઘાટન સમારોહ યોજાશે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ક્રિકેટ બોર્ડે અમને પાંચ લીગ મૅચ સિવાય ઓપનિંગ મૅચ, પ્લેઑફ મૅચ અને ફાઇનલ મૅચની યજમાની કરવાનું વચન આપ્યું છે.’ અહેવાલો અનુસાર IPL 2026નું શેડ્યુલ આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી શેડ્યુલને બે તબક્કામાં જાહેર કરવામાં આવશે.