વિરાટ કોહલીનો મહારેકૉર્ડ : ૧૯ વર્ષ, એક જ ટીમ અને હાઇએસ્ટ ૨૭૯ મૅચ

14 May, 2026 02:14 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

અંગક્રિશ રઘુવંશીએ ૭૧ રન ફટકાર્યા હતા.

બૅન્ગલોરના ભુવનેશ્વર કુમારે કલકત્તાના ફિન ઍલનને આઉટ કર્યા બાદ આક્રમક સેલિબ્રેશન કરી રહેલો વિરાટ કોહલી.

ગઈ કાલે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાનમાં ઊતરતાંની સાથે વિરાટ કોહલીએ IPLમાં સૌથી વધુ ૨૭૯ મૅચ રમવાનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. બે દિવસ પહેલાં જ તેણે અને રોહિત શર્માએ ૨૭૮ મૅચ સાથે મહેન્દ્ર સિંહ ધોનીના રેકૉર્ડની બરોબરી કરી હતી. આજે ધરમશાલામાં પંજાબ સામે રમીને રોહિત શર્મા વિરાટની બરોબરી કરી લેશે. આમ હવે આ બન્ને લેજન્ડ્સ અવારનવાર નવા રેકૉર્ડ બનાવશે અને બરોબરી કરતા રહેશે. કોઈ લીગમાં ૧૯ વર્ષથી એક જ ટીમ (રૉયલ ચેલેન્જર્સ બેન્ગલુરુ) વતી રમનાર વિરાટ દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. હવે વિરાટની નજર T20 ક્રિકેટમાં ૧૪,૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવા પર હશે. વરસાદને લીધે મોડી શરૂ થયેલી મૅચમાં બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને કલકત્તાને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. છેલ્લી મૅચનો હીરો ફિન ઍલન ૮ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૧૮ રન બનાવી શક્યો હતો. અંગક્રિશ રઘુવંશી (૪૬ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથે ૭૧ રન) તથા રિન્કુ સિંહ (૨૯ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથેની આક્રમક અણનમ ૪૯ રન)ની ઇનિંગ્સને લીધે કલકત્તા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૨ રન બનાવી શક્યું હતું. ભુવનેશ્વર કુમાર, રસિખ સલામ અને જૉશ હેઝલવુડને એક-એક વિકેટ મળી હતી. બૅન્ગલોરે આખરે રોમારિયો શેફર્ડને પડતો મૂકીને વેન્કટેશ ઐયરને તથા કલકત્તાએ ઇન્જર્ડ વરુણ ચક્રવતીની જગ્યાએ વિદર્ભના સ્પિનર સૌરભ દુબેને ડેબ્યુ કરાવ્યું હતું.

virat kohli rohit sharma royal challengers bangalore ms dhoni chennai super kings kolkata knight riders IPL 2026 sports sports news cricket news