03 December, 2025 01:36 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતની વર્લ્ડ કપ ચૅમ્પિયન સ્પિન ઑલરાઉન્ડર સ્નેહ રાણાએ ગઈ કાલે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સવારની આરતીમાં ભાગ લઈને ભારતની ઐતિહાસિક જીત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આરતી દરમ્યાન ઍક્ટર પુનિત ઇસ્સાર અને વિન્દુ દારા સિંહ પણ સ્નેહ રાણા સાથે મંદિરમાં શિવની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડની ૩૧ વર્ષની આ પ્લેયરે કહ્યું હતું કે ‘છેલ્લી વખત જ્યારે અમે વર્લ્ડ કપ દરમ્યાન અહીં આવ્યાં હતાં ત્યારે અમે મહાકાલજીની મુલાકાત લીધી હતી અને ટ્રોફી લાવવાનું વચન આપ્યું હતું. મને આશા છે કે મહાકાલ ફરી બોલાવતા રહેશે અને અમે ભારત માટે આવી જ ટ્રોફી જીતતા રહીએ.’
બીજી નવેમ્બરે ભારતીય ટીમ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને હરાવીને વિમેન્સ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી હતી.