02 May, 2025 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
TMBB જાયન્ટ્સ ચૅમ્પિયન
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી (TMBB) સ્પોર્ટ્સ અસોસિએશન દ્વારા જ્ઞાતિજનો માટે ગયા રવિવારે મુલુંડમાં કાલિદાસ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ઍલ્ટોન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોજાયેલી ટર્ફ
ક્રિકેટ-ટુર્નામેન્ટની ચોથી સીઝન TMBB જાયન્ટ્સ ટીમે જીતી હતી. ફાઇનલમાં તેમણે TMBB ટાઇગર્સ ટીમ સામે ૮ વિકેટથી વિજય મેળવ્યો હતો.
જ્ઞાતિજનોમાં ટીમવર્ક, મિત્રતા અને રમત પ્રત્યેના જુસ્સાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમે ભાગ લીધો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં પધારેલા જ્ઞાતિજનોની હાજરીમાં રોમાંચક મુકાબલાઓ બાદ TMBB જાયન્ટ્સ અને TMBB ટાઇગર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતાં TMBB ટાઇગર્સે પાંચ ઓવરમાં પાંચ વિકેટે ૬૫ રન બનાવ્યા હતા. TMBB જાયન્ટ્સ માત્ર ૩.૩ ઓવરમાં બે વિકેટે ૬૯ રન ફટકારીને શાનદાર જીત મેળવી ચૅમ્પિયન બની હતી. કથન ભટ્ટને પ્લેયર ઑફ ધ સિરીઝ, કુશ ઠાકરને બેસ્ટ બૅટ્સમૅન તથા દેવાંશ ઉપાધ્યાયને બેસ્ટ બોલર જાહેર કરવામાં આવ્યા હતા. ચૅમ્પિયન ટીમને ટ્રોફી ઉપરાંત ૨૫,૦૦૦ રૂપિયા તથા રનર-અપ ટીમને ટ્રોફી અને ૧૫,૦૦૦ રૂપિયાનું કૅશ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
ચોથી સીઝનની શાનદાર સફળતાને લીધે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સ્પોર્ટ્સ અસોસિએશન આગામી સીઝનમાં જ્ઞાતિજનોની એકતા માટે કંઈક નવું કરવા ઉત્સાહિત છે.