04 September, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
૧૮ વર્ષના લાંબા ઇન્તેજાર બાદ આખરે આ વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. જોકે જીત બાદ ચાર જૂને બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી દરમ્યાન ભાગદોડને લીધે એક ચાહકનું મૃત્યુ થયું હતું અને અનેક લોકો ઘાયલ થતા હતા. આ દુર્ઘટનાને લીધે RCB ફ્રૅન્ચાઇઝીની ખૂબ જ ટીકા થઈ હતી. આ ઘટના બાદ વિરાટ લંડન ચાલ્યો ગયો હતો અને હવે ત્રણેક મહિના બાદ તેણે સોશ્યલ મીડિયા પર તેનું દરદ વ્યક્ત કર્યું હતું.
RCBના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ દુર્ઘટના વિશે ખેદ વ્યક્ત કરતી પોસ્ટમાં વિરાટે કહ્યું હતું કે ‘૪ જૂન જેવી હૃદયદ્રાવક ઘટના માટે આપણે કોઈ રીતે તેયાર નથી હોતા. આ દિવસ અમારી ફ્રૅન્ચાઇઝીના ઇતિહાસનો સૌથી ખુશહાલ દિવસ હોવો જોઈતો હતો, પણ એ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા અને જેઓ આ દુર્ઘટનામાં ઘાયલ થયા તેમના પરિવારો વિશે હું સતત વિચારતો રહ્યો છું અને તેમના માટે પ્રાર્થના કરતો રહ્યો છું. તમારું દુઃખ, તમારી પીડા એ હવે RCBના સફરનાં ભાગ બની ગયાં છે. હવે આપણે બધા સાથે મળીને, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક અને જવાબદારીપૂર્વક આગળ વધીશું.’
આ દુર્ઘટના માટે કર્ણાટક સરકારે RCBને જવાબદાર ઠેરવી હતી અને તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કોઈ મોટી ઇવેન્ટ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નથી યોજાઈ અને મહિલા વર્લ્ડ કપની મૅચો પણ બૅન્ગલોરથી નવી મુંબઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.
વિરાટે લંડનમાં પાસ કરી ફિટનેસ-ટેસ્ટ
આવતા મહિને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં રમવા તત્પર વિરાટ કોહલીએ લંડનમાં તેની ફિટનેસ-ટેસ્ટ પાસ કરી લીધી હતી. અહેવાલ પ્રમાણે વિરાટે લંડનમાં જ ફિટનેસ-ટેસ્ટ લેવા ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી અને બોર્ડના અધિકારીઓની દેખરેખ હેઠળ આ ટેસ્ટ યોજાઈ હતી. મોજૂદ ખેલાડીઓમાં આવી રીતે વિદેશની ધરતી પર ફિટનેસ-ટેસ્ટ આપનાર તે પહેલો ખેલાડી બની ગયો છે. વિરાટની જેમ ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલને અલવિદા કહેનાર રોહિત શર્માએ તેની ફિટનેસ-ટેસ્ટ બેન્ગલુરુમાં આપી હતી. લગાતાર સિરીઝ અને ફ્રૅન્ચાઇઝી ક્રિકેટને લીધે ખેલાડીઓ પર વધી રહેલા વર્કલોડને લીધે દરેક મોટી ટુર્નામેન્ટ અને સિરીઝ પહેલાં ફિટનેસ-ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય કરી દેવામાં આવી છે.