કમબૅક કરવા આતુર મુંબઈ-બૅન્ગલોરની વાનખેડે સ્ટેડિયમમાં થશે આકરી કસોટી

12 April, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં રોહિતની બ્રિગેડ સામે ૧૨ મૅચમાંથી ૮ વખત હારી છે વિરાટની સેના, બન્ને ટીમને છેલ્લી મૅચમાં ગુવાહાટીમાં રાજસ્થાન સામે કારમી હાર મળી હતી

કમબૅક કરવા આતુર મુંબઈ-બૅન્ગલોરની વાનખેડે સ્ટેડિયમમાં થશે આકરી કસોટી

IPL 2026ના ચોથા ડબલ-હેડરમાં બીજી મૅચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન સીઝનની વીસમી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રોમાંચક રમત જોવા મળશે. આ ટક્કરમાં દેશ-વિદેશના મોટા સ્ટાર પ્લેયર્સ વચ્ચે રસાકસી જોવા મળશે. બૅન્ગલોર સતત બે મૅચ જીત્યા બાદ ત્રીજી મૅચમાં રાજસ્થાન સામે હાર્યું છે. મુંબઈએ કલકત્તાને હરાવીને વિજયી શરૂઆત તો કરી પણ છેલ્લી બે મૅચમાં દિલ્હી અને રાજસ્થાન સામે કારમી હાર મળી હતી. બન્ને ટીમ આજે જીતના ટ્રૅક પર પાછા ફરવા માટે એડીચોટીનું જોર લગાડશે.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ : ૩૪

મુંબઈની જીત : ૧૯

બૅન્ગલોરની જીત : ૧૪ 

પંડ્યા બ્રધર્સ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે એવા અહેવાલો વચ્ચે આજે મેદાન પર બન્નેના એકબીજા સાથેના વર્તન પર સૌની નજર રહેશે. વિરાટ કોહલી ૧૭૯.૧૭ના સ્ટ્રાઇક-રેટથી ૩ મૅચમાં ૧૨૯ રન ફટકારી ચૂક્યો છે. રોહિત શર્માએ ૧૬૮.૫૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૧૮ રન કર્યા છે. સીઝનની પહેલી જ મૅચમાં રોહિત શર્માએ ૭૮ રન અને વિરાટ કોહલીએ ૬૯ રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લી બન્ને સીઝનમાં આ બન્ને ટીમ વચ્ચે એક-એક મૅચ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાઈ છે. એમાંથી ૨૦૨૪ની મૅચ મુંબઈએ અને ૨૦૨૫ની મૅચ બૅન્ગલોરે જીતી હતી. બન્ને વચ્ચે આ મેદાન પર ૧૨ ટક્કર થઈ છે જેમાંથી મુંબઈ ૮ અને બૅન્ગલોર ૪ મૅચ જીત્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં બૅન્ગલોરની ટીમ ઓગણીસમાંથી ૯ મૅચ જીત્યું છે અને ૧૦ મૅચમાં હાર મળી છે. મુંબઈ પોતાના આ મેદાન પર ૯૩માંથી ૫૮ મૅચ જીત્યું છે અને ૩૫ મૅચ હાર્યું છે. છેલ્લી સીઝનની ૭ અને વર્તમાન સીઝનની એક મૅચ સહિત છેલ્લી ૮ મૅચમાં મુંબઈ પોતાના આ મેદાન પર ૬ મૅચ જીત્યું છે.

IPL 2026 virat kohli rohit sharma royal challengers bangalore mumbai indians wankhede sports news sports cricket news