13 May, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીએ રિટાયરમેન્ટની પોસ્ટ સાથે અમેરિકન ભૂતપૂર્વ સિંગર ફ્રૅન્ક સિનાત્રાના ‘માઇ વે’ સૉન્ગ સાથે આ ફોટો શૅર કર્યો હતો.
ભારતીય ક્રિકેટના સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ગઈ કાલે ટેસ્ટ-ક્રિકેટની પોતાની સુવર્ણ કારકિર્દીના અંતની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ બાદ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડનાર વિરાટ પોતાનું ફેવરિટ ટેસ્ટ-ફૉર્મેટ છોડી રહ્યો છે એની ચર્ચા છેલ્લા બે-ત્રણ દિવસથી થઈ રહી હતી. ૩૬ વર્ષનો આ ક્રિકેટર IPL T20 લીગ અને વન-ડે ક્રિકેટમાં રમતો જોવા મળશે.
પોતાના સિનિયર્સ માટે ગોળમટોળ ચીકુ નામથી ઓળખાવાથી લઈને જુનિયર્સ માટે ભૈયા અને કિંગ કોહલીના ઉપનામથી દબદબો બનાવનાર કોહલીએ જૂન ૨૦૧૧માં જમૈકાના કિંગસ્ટનના મેદાન પર ટેસ્ટ-ડેબ્યુ કરીને ૧૨૩ મૅચમાં ૯૨૩૦ રન બનાવ્યા છે, પણ તેણે નિવૃત્તિનો નિર્ણય લઈને પોતાના ૧૦,૦૦૦ ટેસ્ટ-રનના સપનાને અધૂરું જ છોડી દીધું. તે આ માઇલસ્ટોનથી ૭૭૦ રન જ દૂર હતો.
પશ્ચિમ દિલ્હીના એક છોકરાના સ્વેગ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યો અને ક્રિકેટ પ્રત્યેના પોતાના અપાર જુસ્સા સાથે વર્તમાન પેઢીમાં રેડ બૉલ-ક્રિકેટની લોકપ્રિયતા વધારનાર કોહલીએ છેલ્લી ટેસ્ટ-મૅચ જાન્યુઆરી ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રમ્યો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘરઆંગણાની પહેલી ટેસ્ટ-મૅચ નવેમ્બર ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડ સામે રમનાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ (કૅપ) પહેર્યાને ૧૪ વર્ષ થઈ ગયાં છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફૉર્મેટ મને કેવી સફર પર લઈ જશે. એણે મારી કસોટી કરી, મને ઘડ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. વાઇટ રંગ (જર્સી)માં રમવું કંઈક ખૂબ જ વ્યક્તિગત હતું. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે.’
વિરાટે આગળ લખ્યું, ‘જેમ-જેમ હું આ ફૉર્મેટથી દૂર જાઉં છું એ સરળ નથી, પણ એ યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને આશા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પર જે લોકો સાથે રમ્યો હતો તેમના માટે અને જર્નીમાં મને જોનારા દરેક માટે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે વિદાય લઈ રહ્યો છું. હું હંમેશાં મારા ટેસ્ટ-કરીઅરને સ્મિત સાથે જોઈશ. #269 (ભારતીય ટેસ્ટ-કૅપ નંબર), રજા લઈ રહ્યો છું.’
ટેસ્ટ-ક્રિકેટમાં કોહલીનું પ્રદર્શન |
|
મૅચ |
૧૨૩ |
ઇનિંગ્સ |
૨૧૦ |
રન |
૯૨૩૦ |
સેન્ચુરી |
૩૦ |
ફિફ્ટી |
૩૧ |
ચોગ્ગા |
૧૦૨૭ |
છગ્ગા |
૩૦ |
કૅચ |
૧૨૧ |
ઍવરેજ |
૪૬.૮૫ |
સ્ટ્રાઇક-રેટ |
૫૫.૫૭ |
ટેસ્ટ-ફૉર્મેટમાં જ વિકેટ નથી લઈ શક્યો કોહલી
પ્રોફેશનલ ક્રિકેટમાં માત્ર ઇન્ટરનૅશનલ ટેસ્ટ-ફૉર્મેટમાં જ વિકેટ નથી લઈ શક્યો કોહલી. તેણે આ ફૉર્મેટમાં ૧૧ ઇનિંગ્સમાં ૧૭૫ બૉલ ફેંકીને ૮૪ રન આપ્યા છે. આ સિવાય તે વન-ડેમાં પાંચ, T20 ફૉર્મેટમાં આઠ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ અને લિસ્ટ-A ક્રિકેટમાં પાંચ વિકેટ મીડિયમ ફાસ્ટ બોલર તરીકે લઈ ચૂક્યો છે.