16 March, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીએ RCBના કૅમ્પમાં સ્વૅગ સાથે કરી એન્ટ્રી.
૩૬ વર્ષનો ભારતીય સ્ટાર બૅટર વિરાટ કોહલી ગઈ કાલે IPL 2025 માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) કૅમ્પમાં જોડાયો હતો. તેણે RCB ઇનોવેશન લૅબ ટૉક શોમાં પણ હાજરી આપી હતી. લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028માં T20 ક્રિકેટ રમાશે ત્યારે વિરાટ કોહલી ઑલમોસ્ટ ૪૦ વર્ષનો થઈ ચૂક્યો હશે.
ઑલિમ્પિક્સમાં ક્રિકેટની રમતની ફરી એક વાર એન્ટ્રી થતાં તેણે કહ્યું કે ‘ઑલિમ્પિક ચૅમ્પિયન બનવું એ એક મહાન અનુભૂતિ હશે. આમાં IPLએ મોટી ભૂમિકા ભજવી છે. આનાથી ક્રિકેટ એટલી હદે વધી ગયું છે કે એ હવે ઑલિમ્પિક્સનો એક ભાગ બની ગયું છે. આ આપણા કેટલાક પ્લેયર્સ માટે એક મોટી તક છે. પ્લેયર્સ પહેલી વાર આનો અનુભવ કરશે. મને ખાતરી છે કે આપણે એ મેડલની નજીક પહોંચીશું, પુરુષ અને મહિલા બન્ને ટીમ.’
જ્યારે તેને ઑલિમ્પિક્સ માટે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટના રિટાયરમેન્ટમાંથી વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસતાં-હસતાં કહ્યું કે ‘ઑલિમ્પિક્સમાં મને ખબર નથી. જો આપણે ગોલ્ડ મેડલ માટે રમી રહ્યા હોઈશું તો હું એક મૅચ રમીશ અને મેડલ લઈને ઘરે પાછો આવીશ. પણ મને લાગે છે કે એ રમત માટે ખૂબ જ સારી બાબત છે.’
નિવૃત્તિની અફવાઓને ફગાવતાં તેણે આ શોમાં કહ્યું હતું કે ‘ગભરાશો નહીં, હું કોઈ જાહેરાત કરી રહ્યો નથી. અત્યાર સુધી બધું બરાબર છે. મને હજી પણ રમવાનો શોખ છે. મારા માટે રમવું એ હવે શુદ્ધ આનંદ, સ્પર્ધાત્મક ભાવના અને રમત પ્રત્યેનો પ્રેમ છે. હું રમવાનું ચાલુ રાખીશ. હું કોઈ સિદ્ધિ માટે રમતો નથી.’