૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં રમવાના સંકેત આપી દીધા કિંગ કોહલીએ

03 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટનના જવાબને તાળી અને હસતા મોઢે વધાવી લીધો હતો. ૩૬ વર્ષનો વિરાટ કોહલી આવતા વર્લ્ડ કપ સુધીમાં ૩૯ વર્ષનો થઈ જશે.

વિરાટ કોહલી

ભારતના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે મોટો સંકેત આપ્યો છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને અઢી વર્ષ બાકી છે ત્યારે તેણે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનારી આ વન-ડે ટુર્નામેન્ટમાં રમવાની વાત કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા.

એક કાર્યક્રમમાં જ્યારે ઍન્કર દ્વારા કોહલીને તેના આગામી મોટા પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આગામી મોટું પગલું? મને ખબર નથી, કદાચ આગામી વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરીશ.

કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટનના જવાબને તાળી અને હસતા મોઢે વધાવી લીધો હતો. ૩૬ વર્ષનો વિરાટ કોહલી આવતા વર્લ્ડ કપ સુધીમાં ૩૯ વર્ષનો થઈ જશે.

વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં રમશે?

ઑસ્ટ્રેલિયાની T20 ફૉર્મેટની બિગ બૅશ લીગની ટીમ સિડની સિક્સર્સે આગામી બે સીઝન માટે વિરાટ કોહલીને એના નવા વિદેશી પ્લેયર તરીકે સામેલ કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. સોશ્યલ મીડિયા પર એનું પોસ્ટર જોઈને ક્રિકેટ-ફૅન્સ ચોંકી ગયા હતા. તેઓ વિચારતા હતા કે શું ખરેખર આવું થઈ રહ્યું છે? ભારતીય સમય અનુસાર વહેલી સવારે ૪.૩૭ વાગ્યે કરવામાં આવેલી સોશ્યલ મીડિયા પોસ્ટની નીચે સિડની સિક્સર્સે સવારે ૯.૨૯ વાગ્યે એપ્રિલ ફૂલ કમેન્ટ કરી હતી ત્યારે મોટા ભાગના ક્રિકેટ-ફૅન્સને સમજાયું કે એ એપ્રિલ ફૂલની મજાક છે.

ભારતીય ક્રિકેટ બોર્ડની નીતિ કોઈ પણ સક્રિય ભારતીય પુરુષ ક્રિકેટરને વિદેશી ફ્રૅન્ચાઇઝી લીગમાં રમવા માટે મંજૂરી આપતી નથી. નિવૃત્તિ લીધા બાદ જ તેઓ વિદેશી લીગમાં રમી શકે છે.  

indian premier league IPL 2025 virat kohli cricket news sports news sports world cup