17 March, 2025 07:59 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી ગયા બાદ પત્ની અનુષ્કા શર્મા સાથે મસ્તી કરતો વિરાટ કોહલી.
RCBના ઇનોવેશન લૅબ ટૉક-શોમાં વિરાટ કોહલીએ કેટલાંક એવાં નિવેદન આપ્યાં હતાં જે જબરદસ્ત વાઇરલ થયાં હતાં. ભારતીય ક્રિકેટ બોર્ડે વિદેશ-ટૂર પર ફૅમિલીની હાજરી પર જે નિયંત્રણ મૂક્યું એ વિશે નિરાશા વ્યક્ત કરતાં તે કહે છે કે ‘હું ખૂબ જ નિરાશ થયો, કારણ કે ચર્ચામાં એવા લોકો પણ સામેલ હતા જેમને આ મામલા સાથે કોઈ લેવાદેવા નહોતી. દરેક પ્લેયર્સ ઇચ્છે છે કે તેમની ફૅમિલી તેમની આસપાસ રહે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી સમયે ભારતીય પ્લેયર્સની ફૅમિલી ટીમ-હોટેલમાં રોકાઈ નહોતી, તેમના રહેવાનો ખર્ચ ક્રિકેટર્સે પોતે જ કર્યો હતો.
૩૬ વર્ષનો વિરાટ કહે છે કે ‘લોકોને ફૅમિલીની ભૂમિકા સમજાવવી ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે પણ તમે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં હો ત્યારે તમારી ફૅમિલી પાસે પાછા આવવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે લોકો આનું મહત્ત્વ સમજે છે. હું મારા રૂમમાં જઈને એકલો બેસીને ઉદાસ રહેવા માગતો નથી. હું સામાન્ય રહેવા માગું છું. તો જ તમે તમારી રમતને જવાબદારી તરીકે લઈ શકો છો. તમે બહાર તમારી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરો છો અને પછી તમે ઘરે પાછા આવો છો. તમે તમારી ફૅમિલી સાથે છો અને તમારા ઘરનું વાતાવરણ એકદમ સામાન્ય છે અને સામાન્ય પારિવારિક જીવન ચાલે છે. તો આ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. જ્યારે પણ શક્ય હોય, હું ક્યારેય બહાર જવાની અને મારી ફૅમિલી સાથે સમય વિતાવવાની કોઈ તક ચૂકતો નથી.’
બ્રૉડકાસ્ટર્સની ઝાટકણી કાઢતાં વિરાટ કહે છે કે ‘એક ક્રિકેટ શોમાં રમત વિશે વાત કરવાની જરૂર છે. ગઈ કાલે લંચમાં મેં શું ખાધું હતું અથવા દિલ્હીમાં મારા મનપસંદ છોલે-ભટૂરેની દુકાન વિશે નહીં. ક્રિકેટ-મૅચોમાં આવું ન હોઈ શકે. પ્લેયર્સ કેવું પ્રદર્શન કરી રહ્યા છે એની વાત થવી જોઈએ.’
કોહલીએ હાલના ઑસ્ટ્રેલિયા-ટૂરને પોતાના માટે ખૂબ જ નિરાશાજનક ગણાવ્યો હતો અને સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં ઑસ્ટ્રેલિયામાં તેનું ટેસ્ટ-સિરીઝ રમવું લગભગ અશક્ય છે.