27 June, 2026 02:07 PM IST | Bristol | Gujarati Mid-day Correspondent
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજની ત્રણ મૅચો કોની-કોની વચ્ચે?
પાકિસ્તાન vs નેધરલૅન્ડ્સ : બપોરે ત્રણ વાગ્યે, બ્રિસ્ટલ
ગ્રુપ Aની ટીમો પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ આજે જીત સાથે પોતાના વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 અભિયાનને સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખશે. બન્ને ટીમોને લાગલગાટ ૪ મૅચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આ બન્ને ટીમ વચ્ચે એકમાત્ર મૅચ એપ્રિલ ૨૦૧૧માં કોલંબોમાં રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત નવ-નવ ઓવરની આ મૅચમાં પાકિસ્તાન ૫૪ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૧૨ રને જીત્યું હતું. ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે જ બન્ને વચ્ચે ૧૨ વન-ડે મૅચો રમાઈ હતી જેમાં પાકિસ્તાન સાત અને નેધરલૅન્ડ્સ ૪ મૅચ જીત્યું હતું. એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
વેસ્ટ ઇન્ડીઝ vs આયરલૅન્ડ : સાંજે સાત વાગ્યે, બ્રિસ્ટલ
ગ્રુપ Bની તળિયાની ટીમ આયરલૅન્ડને હરાવીને વેસ્ટ ઇન્ડીઝ આજે સેમી-ફાઇનલનું બીજું સ્થાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે. આ ગ્રુપમાં ઇંગ્લૅન્ડ (૮ પૉઇન્ટ) બાદ કૅરિબિયન ટીમ (૬ પૉઇન્ટ) બીજા ક્રમે મજબૂત સ્થાન ધરાવે છે.
જો વેસ્ટ ઇન્ડીઝ આ મૅચ હારશે તો હાલમાં ૪-૪ પૉઇન્ટ ધરાવતી શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ પાસે સારા નેટ રનરેટ સાથે પોતાની અંતિમ મૅચ જીતીને
સેમી-ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.
૨૦૦૮થી ૨૦૨૬ વચ્ચે વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડ વચ્ચે હમણાં સુધી કુલ ૧૦ T20 મૅચ રમાઈ છે. સતત પહેલી નવ મૅચ જીત્યા બાદ કૅરિબિયન ટીમને અંતિમ મૅચમાં પહેલી વખત આયરલૅન્ડ સામે હાર મળી હતી.
ઇંગ્લૅન્ડ vs ન્યુ ઝીલૅન્ડ : રાતે ૧૧ વાગ્યે, લંડન
ગ્રુપ Bની અંતિમ મૅચ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. મૅચ જીતીને સેમી-ફાઇનલિસ્ટ ઇંગ્લૅન્ડ પહેલા ક્રમે સ્થાન વધુ મજબૂત કરવા અને ન્યુ ઝીલૅન્ડ
સેમી-ફાઇનલના સમીકરણ અનુસાર આક્રમક રમત રમવાનો ટાર્ગેટ રાખશે. ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૨૦૦૪થી હમણાં સુધી ૪૩ T20 મૅચ રમાઈ છે. એમાંથી અંગ્રેજ ટીમ ૩૪ અને કિવી ટીમ નવ મૅચ જીતી શકી છે.