જાયસવાલ ચાલ્યો મુંબઈ ટુ ગોવા

03 April, 2025 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લેફ્ટી ઓપનર આગામી ડોમેસ્ટિક સીઝનથી બની શકે છે ગોવાની ટીમનો કૅપ્ટન

યશસ્વી જાયસવાલ

મુંબઈના મેદાનમાં સ્ટ્રગલ કરીને સિનિયર ટીમ અને ત્યાર બાદ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવી ઇન્ટરનૅશનલ લેવલે ધમાલ મચાવનાર યશસ્વી જાયસવાલે મુંબઈ ટીમને છોડવાનો નિર્ણય લીધો છે. જાયસવાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પત્ર લખીને મુંબઈ છોડીને ગોવા વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરીને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ માટે વિનંતી કરી હતી.

મુંબઈ ક્રિકેટ અસોસિએશનના એક અધિકારીએ આ બાબતે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે ‘હા, આ આર્શ્ચયકારક છે. આવું પગલું લેતાં પહેલાં તેણે કંઈક તો વિચાર્યું હશે. તેણે અમને છૂટો કરવાની વિનંતી કરી હતી અને અમે તેની વિનંતીનો સ્વીકાર કર્યો છે.’

ગોવા ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી શાંબા દેસાઈએ પણ ન્યુઝ એજન્સી સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે ‘તે અમારી ટીમ વતી રમતા માગતો હતો અને અમે તેનું સ્વાગત કર્યું હતું. તે આગામી સીઝનથી અમારી સાથે રમશે.’

શું એને ગોવા ટીમનો કૅપ્ટન બનાવવામાં આવશે એવા પ્રશ્નના જવાબમાં દેસાઈએ કહ્યું હતું કે ‘હા, એવું થઈ શકે છે. તે ટીમ ઇન્ડિયા વતી રમી રહ્યો હોવાથી કૅપ્ટન બની શકે છે. અમે તેને એ પદે નિયુક્ત કરવાની દિશામાં આગળ વધીશું, પણ નૅશનલ ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી તે કેટલો સમય ટીમને ફાળવી શકશે એ વિશે તેની સાથે વાતચીત કરીશું.’

હાલ IPLમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમતા જાયસવાલે મુંબઈ વતી છેલ્લી ડોમેસ્ટિક મૅચ રણજી ટ્રોફીમાં ૨૩થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન જમ્મુ ઍન્ડ કશ્મીર સામે રમ્યો હતો જેમાં તેણે પહેલી ઇનિંગ્સમાં ચાર અને બીજીમાં ૨૬ રન બનાવ્યા હતા. મુંબઈ આ મૅચ પાંચ વિકેટથી હારી ગયું હતું.

જાયસવાલે ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં શાનદાર ડેબ્યુ કર્યા બાદ ટીમનો પ્રથમ પસંદગીનો ઓપનર બની રહ્યો છે. તેણે ૧૯ મૅચમાં બાવનની ઍવરેજ અને ચાર સેન્ચુરી તથા ૧૦ હાફ-સેન્ચુરી સાથે ૧૭૯૮ રન બનાવ્યા છે.

અર્જુન અને લાડ બાદ ત્રીજો
જાયસવાલ પહેલાં ૨૦૨૨-’૨૩ સીઝન પહેલાં સિદ્ધેશ લાડ અને અર્જુન તેન્ડુલકરે મુંબઈ ટીમને છોડીને ગોવા જવાનો નિર્ણય લીધો હતો. અર્જુન હજી ગોવા વતી રમે છે, પણ લાડ ગઈ સીઝનમાં મુંબઈ ટીમમાં પાછો ફર્યો હતો.

yashasvi jaiswal mumbai cricket association indian cricket team indian premier league ranji trophy mumbai goa cricket news sports news sports